ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ બની છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સ્થિતિને હેલ્થ ઇમરજન્સી ગણાવી છે. ગુજરાતમાં રોજ કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. કોરોનાનો વિસ્ફોટ થયો હોય એવી પરિસ્થિતિ સર્જાઇ છે. કોરોનાના કેસો એટલા બધાં વધી ગયા છે કે રાજ્યના મોટા શહેરોની હોસ્પીટલોમાં દર્દીને દાખલ કરવા માટે જગા રહી નથી. રેમડેસિવિર જેવા અત્યંત મહત્ત્વના ગણાતા ઇન્જેક્શનોની અછત સર્જાઇ છે. કોરોનાના મૃત્યુદરમાં પણ વધારો થયો છે. આ કારણે સ્મશાનોમાં પણ મૃતદેહોની લાંબી લાઇનો લાગે છે અને અગ્નિદાહનું પણ કલાકોનું વેઇટીંગ ચાલે છે. ગુજરાતની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટે નોંધવું પડ્યું છે કે ગત કેટલાંક દિવસોના સમાચાર અહેવાલો પરથી લાગી રહ્યું છે કે ગુજરાત સ્વાસ્થય કટોકટી એટલે કે હેલ્થ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રસ્ટ્રક્ચરની દુર્ગમ પરિસ્થિતિમાં અત્યારે આઇ.સી.યુ., બેડ અને ટેસ્ટિંગની અછત તો છે જ પરંતુ ઓક્સિજન સપ્લાય અને રેમડિસિવિર જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ વર્તાઇ રહ્યો છે.