ગુજરાતમાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થયો હતો. સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 12,820 કેસ નોંધાયા હતા અને 140 દર્દીના મોત થયા હતા. અગાઉના દિવસની સરખામણીમાં નવા કેસની સંખ્યામાં 158નો ઘટાડો થયો હતો.
બીજી રાહતજનક બાબત એ હતી કે છેલ્લાં 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થયો હતો, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતિમાં ઘટાડો થયો છે. સોમવારે 11,999 દર્દી કોરોનામુક્ત થયા હતા અને એક્ટિવ કેસની સંખ્યા 1,47,499 થઈ હતી, જેમાંથી 747 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ગુજરાતમાં કોરોનાના રિકવરી રેટ સુધરીને 74.46 ટકા થયો હતો.
સોમવારે અમદાવાદમાં કોરોનાના નવા 4,671 કેસ સાથે 26 દર્દીનાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 1,656 કેસ સાથે 13 દર્દીનાં મોત થયા હતા. વડોદરામાં નવા 936 કેસ સાથે 14 દર્દીનાં મોત થયા હતા જ્યારે રાજકોટમાં નવા 524 કેસ સાથે 16 દર્દીનાં મોત થયા હતા. જામનગરમાં નવા 712 કેસ સાથે 14 દર્દીનાં મોત થયા હતા અને ગાંધીનગરમાં નવા 317 કેસ સાથે 2 દર્દીનાં મોત થયા હતા. જૂનાગઢમાં નવા 280 કેસ સાથે 9 દર્દીનાં મોત થયા હતા. ભાવનગરમાં નવા 571 કેસ સાથે 12 દર્દીનાં મોત થયા હતા.