ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થતાં રાજ્ય સરકારે મંગળવાર (11 જાન્યુઆરી)એ નવા નિયમોની જાહેરાત કરી હતી. નવા નિયંત્રણો મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમોમાં 150થી વધુ વ્યક્તિઓની હાજર રહી શકશે નહીં.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં બાદ કોરોનાના નવા નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી હતી. નવા નિયંત્રણો 12 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022થી અમલમાં અમલમાં રહેશે.
હોલ જેવા બંધ સ્થળોએ યોજાતા જાહેર કાર્યક્રમો જગ્યાની ક્ષમતા ના 50%, પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે જરૂરી દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે આશરે 4 લાખ મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપ્યો છે.
સરકારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઇન અને ઓનલાઇન બે વિકલ્પ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં મંગળવારે કોરોનાના નવા 7,476 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2,903 અને સુરતમાં 2114 નવા કેસથી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. સુરત, વલસાડ, પોરબંદરમાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા.
આરોગ્ય વિભાગના મંગળવારના ડેટા અનુસાર રાજ્યમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 37, 238 થઈ હતી જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર હતા, જ્યારે 37,204 દર્દીની હાલત સ્થિર હતી.