કોરોનાના કેસમાં મોટા ઘટાડાને કારણે ગુજરાત સરકારે ગુરુવારે સિનેમાઘર,મલ્ટીપ્લેકસ અને ઓડિટોરિયમ, લાયબ્રેરી ખોલવાની મંજૂરી આપી હતી અને નાઇટ કરફ્યુમાં રાહત આપી હતી. સરકારે કુલ 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લીઘો છે, જયારે 18 શહેરોમાં રાત્રી કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરોનાને માત્ર 128 નવા કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત થયા હતા. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 4,427 થઈ હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીએ બેઠકના નિર્ણયો મુજબ 18 શહેરોમાં રાત્રી કરફ્યુની સમય અવિધ રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી છે. લાંબા સમય બાદ સિનેમાઘર, મલ્ટીપ્લેકસ અને ઓડિટોરિયમને ખુલ્લા રાખવા છૂટ અપાઇ છે. મહત્વની વાત એછે કે, તમામ ધંધાર્થી, વ્યવસાયકારો-તેમના સ્ટાફ માટે કોરોનાની રસી લેવી ફરજિયાત કરાઇ છે. નવા નિયમોનો અમલ 27 જૂનથી થશે.
રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ અને ગાંધીધામ એમ કુલ મળીને 18 શહેરોમાં રાત્રી કરફયુ યથાવત રાખવામાં આવ્યો છે, જયારે વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, પાલનપુર, હિમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરામાં રાત્રી કરફ્યુ હટાવી લેવાયો છે. સરકારે શહેરોમાં વ્યવસાયિક પ્રવૃતિ કરતા વેપારી અને તેમના સ્ટાફે 30મી જૂન સુધી રસી લેવા ફરજિયાત કરી છે.
હોટલ-રેસ્ટોરન્ટમાં રાત્રે 12 કલાક સુધી હોમ ડિલીવરી કરી શકાશે. આ ઉપરાંત 60 ટકાની ક્ષમતા સાથે હોટલ-રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 કલાક સુધી ખુલ્લી રહેશે. બજારો-દુકાનો પણ રાત્રે નવ વાગે સુધી ખુલ્લી રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં હવે 100 જણાં હાજર રહી શકશે. આ ઉપરાંત અત્યાર સુધી અંતિમક્રિયામાં 20 લોકો જઇ શકતા હતાં પણ હવે 40 લોકોને છૂટ અપાઇ છે.
સામાજીક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં હોલની ક્ષમતાના 50 ટકા અથવા 200 જણા હાજરી આપી શકશે. વાંચનાલયોને લીલીઝંડી અપાઇ છે. વાચનાલયોમાં 60 ટકાને મંજૂરી અપાઇ છે. લોકડાઉનમાં બંધ પડેલાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સને 50 ટકા દર્શકો માટે છૂટછાટ આપી છે.
ઓડિટોરિયમાં પણ નાટકો, સંગીતના કાર્યક્મ શરૂ થશે. ઓડિટોરિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. ગાર્ડન ખુલ્લા રાખવાના સમયમાં વધારો કરાયો છે. કોરોનામાં ઘરમાં પૂરાયેલાં લોકો હવે રાત્રીના 9 વાગ્યા સુધી બગીચામાં જઇ શકશે. એસટી બસોમાં સરકારે 75 ટકા મુસાફરો સાથે છૂટ આપી છે. મહત્વની વાત એછેકે, એસટી બસ કરફ્યુ સમયમાં ય ચાલુ રહેશે.આમ,સરકારે રાત્રી કરફયુ સહિત નિયંત્રણ હળવા કર્યા છે.