ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 2,270 કેસો નોંધાયા હતા અને 1,605 દર્દીઓ સાજા થયા થયા હતા. આ સમયગાળામાં કોરોના વાયરસના કારણે વધુ 8 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4,492 પર પહોંચ્યો હતો, એમ સરકારે રવિવારે સાંજે જારી કરેલી માહિતીમાં જણાવાયું હતું.
રાજ્યમાં એક દિવસમાં કુલ 1,36,737 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,84,846 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 11,528 રહી હતી, જેમાં 152 દર્દીઓ વેન્ટિલેટર પર હતા, જ્યારે 11376 દર્દીઓ સ્ટેબલ હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત થયા હતા જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશનના 2, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા કોર્પોરેશનના 1 દર્દીનું મોત થયું હતું.
સરકારી માહિતી મુજબ સુરતમાં 611, અમદાવાદમાં 607, વડોદરામાં 202 અને રાજકોટમાં 159 દર્દીઓ નોંધાયા હતા. જો ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 22, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 8, પાટણમાં 23, મહેસાણામાં 26, અરવલ્લીમાં 10 કેસો નોંધાયા હતા.
સૌરાષ્ટ્રમાં જામનગરમાં 24, કચ્છમાં 23, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢમાં 8, ગીર સોમનાથમાં 7 અને બોટાદમાં 3 તેમજ પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા, જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં 22, ખેડામાં 22, પંચમહાલમાં 19, આણંદમાં 17, નર્મદામાં 17, ભરૂચમાં 16, વલસાડમાં 13, નવસારીમાં 12 અને છોટા ઉદેપુરમાં 5 કેસો નોંધાયા હતા.