ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો ચાલુ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા 8,920 નવા કેસ નોંધાયા હતા અને 94 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર થયો હતો અને અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ નોધાયા હતી.
સરકારે શુક્રવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ નોંધાયા હતા અને 3,023 દર્દીએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં અમદાવાદમા 25, સુરતમાં 24, રાજકોટમાં 8 અને વડોદરામાં 8 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 5, મોરબી જિલ્લામાં 4, સુરેન્દ્રનગર જિલ્લામાં 3ના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5,170એ પહોંચ્યો હતો જ્યારે રિક્વરી રેટ 85.73 ટકા થયો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 49,737 થઈ હતી, જેમાંથી 283 દર્દી વેન્ટિલેટર પર હતા, જ્યારે 49,454 દર્દીની હાલત સ્થિર હતી. શુક્રવારે અમદાવાદમાં કોરોનાના નવા 2,842 અને સુરતમાં 1,522 નવા કેસ નોંધાયા હતા. ઉપરાંત રાજકોટમાં 707 અને વડોદરામાં 429 નવા કેસ નોંધાયા હતા.