દિલ્હીમાં આંદોનકારી ખેડૂતોએ 27 સપ્ટેમ્બરે આપેલા ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કોઇ ખાસ અસર થઈ ન હતી અને જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.
સુરત નજીક કામરેજ ખાતે ખેડૂતોએ નેશનલ હાઈવે નંબર-48 પર જય જવાન….જય કિસાનના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ટાયર સળગાવ્યા હતા અને હાઈવેને થોડીવાર માટે બ્લોક કર્યો હતો. વિરોધ પ્રદર્શન અંગે પોલીસે કાર્યવાહી કરતા ઓછામાં ઓછા 50 જેટલા ખેડૂતો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
ખેડૂતોએ સુરત સહિતના કેટલાંક વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. ગુજરાતમાં ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો ઉપરાંત કોંગ્રેસ,આપે પણ ટેકો જાહેર કર્યો હતો. બંધના એલાનને પગલે કોઇ અનિચ્છિય બનાવ ન બને તેની તદેકારીના ભાગરૂપે રાજ્ય સરકાર સતર્ક બની હતી, જયારે પોલીસ પણ સ્ટેન્ડ ટુ થઇ હતી. ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાતના ખેડૂત અને મજૂર સંગઠનો, ટ્રેડ યુનિયનો એક મંચ પર એકત્રિત થયા હતા. રવિવારે અમદાવાદમાં ગુજરાત કિસાન સમન્વય સમિતિના વડપણ હેઠળ એક બેઠક યોજાઇ હતી જેમાં ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે શહેરો ઉપરાંત જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયુ હતું.