ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરને કારણે આરોગ્ય ક્ષેત્રમાં કટોકટી ઊભી થઈ છે ત્યારે ટોચના ઔદ્યોગિક એકમો, સ્વયંસેવી સંસ્થાઓ અને ખુદ સરકાર એક્શન મોડમાં આવી છે. આ વિવિધ એજન્સીઓએ આગામી સમયગાળામાં ઓક્સિજનવાળ સુવિધા સાથે 5,000 હોસ્પિટલ બેડની સુવિધા શરૂ કરવાનું આયોજન કર્યું છે.
કોરોનાના કેસોમાં જંગી વધારાને કારણે કોવિડ-19ના દર્દીઓના પરિવારજનોની સરકારી હોસ્પિટલો બહાર લાઇનો લાગે છે. રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે મંગળવારે આર્સેલર મિત્તલ ગ્રુપે સુરતમાં હજીરા પ્લાન્ટ નજીક 250 બેડની હોસ્પિટલ શરૂ કરી છે. જે ટૂંક સમયમાં જ વિસ્તારીને 1000 બેડની કરાશે. આ જ પ્રમાણે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેશે જે બાદમાં વધીને 1000 બેડની થશે. અદાણી ગ્રુપ પણ 1,000 ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ કામચલાઉ ધોરણે શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.
કોરોનાનાને કારણે ગુજરાતમાં મૃત્યુઆંક 7,000ને પાર થયો છે. છેલ્લાં 6 દિવસમાં 1000 લોકોએ જીવ ગુમાવ્યો છે. DRDO દ્વારા શરૂ કરાયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ હજી સંપૂર્ણપણે કાર્યરત નથી થઈ. આ હોસ્પિટલમાં 950 બેડ શરૂ કરવાની યોજના છે અને બાદમાં જરૂર પડી તો 500 બેડ ઉમેરવામાં આવશે. આ હોસ્પિટલમાં સોમવારથી દર્દીઓને દાખલ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત DRDO દ્વારા 1200 બેડની સુવિધાવાળી હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.
કોર્પોરેટ ઉપરાંત નાની સંસ્થાઓ, વેપારી સંગઠનો અને NGO પણ યોગદાન આપી રહ્યા છે. અમદાવાદના ડી.કે. પટેલ હોલમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દેવસ્ય હોસ્પિટલ અને AMCના સહયોગથી 150 ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ શરૂ કરી છે. સુરતમાં 26 કમ્યુનિટી સેન્ટરોમાં 500 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ 255 વધુ ઉમેરાશે. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિલાયત GIDC અસોસિએશન દ્વારા 90 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.
ગુરુવારે મોરબીમાં સિમ્પોલો વેટ્રિફાઈડ પ્રાઈવેટ લિમિટેડની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા 65 ઓક્સિજન બેડવાળું કોવિડ રિકવરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કચ્છના આદિપુર શહેરમાં એક સ્થાનિક ટ્રસ્ટે પોતાની જમીન 300 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આપી છે. આ હોસ્પિટલ માટે બે શિપિંગ બિઝનેસમેન આશિષ જોષી અને પંકજ ઠક્કરે ફંડ આપ્યું છે. હાલ અહીં 90 ઓક્સિજન અને 150 આઈસોલેશન બેડ છે.