કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી. આની સાથે હવે કુલ 29 શહેરોમાં નાઇટ કરફ્યૂ રહેશે. ગુજરાત સરકારે આ 29 શહેરોમાં વધુ નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. તેનાથી રેસ્ટાંરા, સ્વિમિંગ પૂલ, સિનેમાં હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ અને વોટર પાર્ક પાંચ મે સુધી બંધ રહેશે. ગુજરાતમાં હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં નાઇટ કરફ્યૂ લાગુ થશે. નાઇટ કરફ્યૂ સ28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મંગળવારે આ મહત્વના નિર્ણયો કર્યા હતા.
અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરાના કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કર્યો હતો.
આ પહેલા 6 એપ્રિલે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં નાઇટ કરફ્યૂ લાગુ કરાયો હતો.
નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ 05 મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.
સમગ્ર રાજ્યમાં તમામ APMC પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ-ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બંધ છે. જોકે, રાજ્યમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. હાલ તો એવી સ્થિતિ છે કે વડોદરા શહેર કરતાં વધુ કેસ મહેસાણા જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે જિલ્લામાં ગયા વર્ષે કોરોનાનો ખાસ કહેર જોવા નહોતો મળ્યો, ત્યાં પણ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે.
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 14,340 કેસ નોંધાયા હતા અને 158 વ્યક્તિના મોત થયા હતા. રાજયમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.77 લાખ થઈ હતી, તેમાંથી અત્યાર સુધી આશરે 3.82 લાખ લોકો રિકવર થયા છે. રિકવરી રેટ ઘટીને 74.93 ટકા થયો હતો. અમદાવાદમાં કોરોનાના નવા 5,679 કેસ નોંધાયા હતા અને 27નાં મોત થયા હતા, જ્યારે સુરતમાં કોરોનાના 1876 કેસ નોંધાયા હતા અને 25નાં મોત થયા હતા.