કોરોના વકરતાં વાયબ્રન્ટ સમીટ, ફ્લાવર શૉ, પતંગ મહોત્સવ મોકુફ રખાયા પછી ગુજરાત સરકારે 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. રાજ્યમાં ગુરુવારે કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા,. જ્યારે એક દર્દીનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 14,346 થઇ હતી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરઓ અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યપ્રધાને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.
મુખ્યપ્રધાને જીલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહીં, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે.
બીજી બાજુ, અમદાવાદમાં યોજાયેલું સંત સંમેલન હવે સુપર સ્પ્રેડર સાબિત થયું હતું. ભાજપના યુવા નેતા ડો. ઋત્વિજ પટેલને પણ કોરોનો ચેપ લાગ્યો હતો. અગાઉ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પછી શહેર પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, દર્શન ઠાકર સહિત ચાર નેતા પછી આજે ડો. પટેલે પોતાને સંક્રમણની જાહેરાત કરી હતી.
ગુરુવારે અમદાવાદ શહેરમાં 1835 , સુરત શહેરમાં 1105, વડોદરા શહેરમાં 103 , રાજકોટ શહેરમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, કચ્છમાં 77, ગાંધીનગરમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, ભાવનગરમાં 38, જામનગર શહેરમાં 30, જૂનાગઢ શહેરમાં 30, સાબરકાંઠામાં 23, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, બનાસકાંઠામાં 12 અને અરવલ્લીમાં 11 નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8,44,856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,127 છે. અત્યાર સુધી 8,20,383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 14,346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે અને 14,317 દર્દીની તબિયત સ્થિર છે.