બ્રિટનની યુનિવર્સિટીઓના નિષ્ણાતોએ કોરોના વાઇરસ અંગે ભારત સહિત વિશ્વભરની હોસ્પિટલોમાં કરેલા એક અભ્યાસને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. વિશ્વના આ સૌથી મોટાપાયે હાથ ધરાયેલા વૈજ્ઞાનિક સહકાર્યમાં 116 દેશના 1,40,000 દર્દીઓ અને 15,025 વિજ્ઞાનીઓએ ભાગ લીધો હતો.
એક જ એકેડેમિક પેપરમાં સૌથી વધારે લેખકો સામેલ થવાનો રેકોર્ડ હવે બર્મિંગહામ અને એડિનબર્ગની યુનિવર્સિટીઓના નામે ચડયો છે કેમ કે તેમના દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં 15,025 વિજ્ઞાનીઓએ પ્રદાન કર્યું હતું. આ અભ્યાસના કો-લીડ ઓથર ભારતીય મૂળના સર્જયન અનીલ ભંગુએ જણાવ્યું હતું કે આ અભ્યાસ ઘાતક કોરોના વાઇરસ વિશે આપણી સમજણને સુધારવાના હેતુથી કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં કોરોનાકાળમાં સર્જરી કેવી રીતે કરી શકાય અને તેની અસર દર્દીપર કેવી રીતે ઘટાડી શકાય તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસને કારણે સર્જરી કરાવવા માગતા દર્દીઓેને આગોતરી રસી આપીને એક જ વર્ષમાં 58,687 કોરોના સબંધિત મોત નિવારી શકાયા હતા. ભારતમાં 56 હોસ્પિટલોમાં અને દુનિયાભરમાં કુલ 1667 હોસ્પિટલોમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. યુકે સરકારની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ રિસર્ચ દ્વારા આ અભ્યાસ માટે ભંડોળ પુરૂ પાડવામાં આપ્યું હતું. આ અભ્યાસ બ્રિટિશ જર્નલ ઓફ સર્જરીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.