વંશીય દુર્વ્યવહારની ફરિયાદ કર્યા પછી બહિષ્કૃત કરાયેલા પૂર્વ એશિયન સાથીદારની ધ ગાર્ડિયનના પત્રકારોએ હવે સર્વસંમતિથી માફી માંગી છે. વિવેક ચૌધરીએ અખબારના એડિટર કેથરિન વિનરને પત્ર લખ્યો હતો, જેમાં સ્ટાફના એક સભ્યએ તેમને “P***” કહ્યા હોવાની ફરિયાદ કરી હતી.
અખબાર ધ ગાર્ડિયનની ગુલામોના વેપાર સાથેની ઐતિહાસિક લિંક્સ વિશેની શ્રેણી પર કામ કરતા ત્રણ પોડકાસ્ટ પ્રોડ્યુસર્સે વિવેક પર “સંસ્થાકીય જાતિવાદ”નો આરોપ મૂક્યા પછી માફીના સમાચાર બહાર આવ્યા છે. ફેરીંગ્ડન, લંડન સ્થિત ગાર્ડીયનનો સામાજિક ઇતિહાસ અને તેના ભગીની અખબાર ધ ઓબ્ઝર્વર 2008 સુધી કોચ એન્ડ હોર્સીસ પબ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા.
ધ ગાર્ડિયનમાં 15 વર્ષ ગાળનાર વિવેક ચૌધરીએ જણાવ્યું હતું કે ‘’પબમાં સ્ટાફના એક જાતિવાદી સભ્યે “P***s કહ્યા બાદ તેના મોટાભાગના સાથીદારોએ “મને ટેકો આપ્યો ન હતો”. જેને કારણે તેમણે પબમાં જવાનું બંધ કરી દીધું હતું પરંતુ અન્ય પત્રકારોએ ત્યાં દારૂ પીવાનું ચાલુ રાખ્યું હતું. 57 વર્ષના ચૌધરી હવે મેઈલ ઓનલાઈનના વરિષ્ઠ પત્રકાર છે.
તેમણે 52 વર્ષીય વિનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “મને યાદ છે કે એક વરિષ્ઠ એડિટરે અમને જાણ કરી હતી કે એવોર્ડની ઉજવણી કરવા બારને પૈસા અપાયા છે અને મને કહ્યું હતું કે હું જાણું છું કે તમે ત્યાં નથી જતા પરંતુ તમે બહાર ઊભા રહી શકો છો અને અમે તમને એક પાઇન્ટ આપીશું. સ્ટીફન લોરેન્સની હત્યાની તપાસમાં મેટ્રોપોલિટન પોલીસમાં સંસ્થાકીય જાતિવાદ જોવા મળ્યા અંગે મારા સાથીદારોએ પોલીસ જાતિવાદ પર નિપુણતાથી અહેવાલ આપ્યો હતો અને પછી પબમાં ગયા હતા. પરંતુ સાથે સાથે તેઓ એ જાણતા હતા કે તેમના જ સાથી પત્રકાર સાથે એ જ પબમાં વંશીય દુર્વ્યવહાર કરાયો હતો.”
ચૌધરીની ફરિયાદના 15 મહિના પછી, આ અઠવાડિયે ધ ગાર્ડિયનમાં પત્રકારોએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરી કેટલાક સાથીદારોએ સમર્થન આપવામાં નિષ્ફળતાની નોંધ લઇ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે “અમે આ ઘટનાના ગેરવહીવટ માટે નિરંતર માફી માંગીએ છીએ.”