ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મારફત સરકારની આવકમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. નવેમ્બરમાં જીએસટીનું કલેકશન 25 ટકા વધીને રૂ.1.31 લાખ કરોડ થયું હતું, જે આ નવી ટેક્સ પ્રણાલીના અમલ પછીથી બીજા ક્રમે સૌથી વધુ છે. જીએસટીની આવકમાં આ વધારો દર્શાવે છે કે ઉદ્યોગ ધંધા કોરોનાના ફટકા બાદ રાબેતા મુજબના થઈ રહ્યા છે અને દેશમાં આર્થિક રિકવરી આવી રહી છે. ટેક્સના નિયમોના પાલનમાં વધારાને કારણે પણ જીએસટીની આવક વધી છે.
દેશમાં આની સાથે સતત પાંચમાં મહિને જીએસટી કલેક્શન રૂ.1 લાખ કરોડથી વધુ રહ્યું છે.નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2021માં જીએસટી મારફત સરકારની કુલ આવક રૂ.1,31,526 કરોડ રહી હતી. તેમાં રૂ.23,978 કરોડના સેન્ટ્રલ જીએસટી અને રૂ.31,127 કરોડના સ્ટેટજીએસટીનો સમાવેશ થાય છે.
નવેમ્બર 2021માં જીએસટી કલેક્શન ગયા વર્ષના નવેમ્બરની રૂ.1.05 લાખ કરોડના કલેક્શન કરતાં 25 ટકા તથા નવેમ્બર 2019ના કલેક્શન કરતાં 27 ટકા વધુ છે.નાણામંત્રાલયે જણાવ્યું હતું કે “જીએસટીની આવક નવેમ્બર 2021માં આ ટેક્સ સિસ્ટમના અમલ પછીની બીજા ક્રમે સૌથી વધુ છે. તે એપ્રિલ 2021ની જીએસટી આવક પછી બીજા ક્રમે છે. એપ્રિલમાં સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી જીએસટીની આવક ઊંચી રહેતી હોય છે. જીએસટીની આવકમાં આ વધારો આર્થિક રિકવરીના ટ્રેન્ડ મુજબનો છે.”
ઓક્ટોબર 2021માં જીએસટીનું કલેક્શન રૂ.1,30,127 કરોડ અને એપ્રિલ 2021માં રૂ.1,39,708 કરોડ રહ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.
સરકારના વિવિધ નીતિવિષયક અને વહીવટી પગલાંને કારણે જીએસટીના કલેક્શનમાં વધારો થયો છે. નવા પગલાંને કારણે વધુને વધુ લોકો ટેક્સ ભરતા થયા છે.ભારતમાં પહેલી જુલાઈ 2017થી જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે. જીએસટીના અમલને પગલે એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા આડકતરા વેરાને નાબૂદ કરવામાં આવ્યા છે. આઇસીઆરએના ચીફ ઇકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021માં જીએસટી કલેક્શનમાં ઘટાડો થવાની ધારણા છે, કારણ કે નવેમ્બર 2021ના પ્રથમ ત્રણ સપ્તાહમાં ડેઇલી સરેરાશ ઇ-વે બિલમાં ઘટાડો થયો હતો.
ડિલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમ એસ મણીએ જણાવ્યું હતું કે દેશના અગ્રણી રાજ્યોમાંથી જીએસટી કલેક્શનમાં 18થી 30 ટકા સુધીનો વધારો થયો છે, જે તમામ રાજયોમાં આર્થિક રિકવરીનો સંકેત આપે છે.