દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ગુજરાતના સાણંદ ખાતે શનિવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.માઈક્રોન ટેકનોલોજી ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના ઉદ્દેશ્યના ભાગરૂપે દેશમાં ચિપ્સનું ઉત્પાદન કરનાર પ્રથમ કંપની હશે. શનિવારે ગુજરાતના સાણંદમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ એન્ડ એસેમ્બલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના ત્રણ મહિના બાદ આ પ્લાન્ટ પર કામ શરૂ થયું છે. આ વર્ષે જૂન 2023માં મોદીએ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન માઈક્રોનના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે માઈક્રોન ટેકનોલોજી સાથે કરાર કરવામાં આવ્યો હતો. કંપની આ પ્લાન્ટમાં 2.75 બિલિયન ડોલરનું રોકાણ કરશે. જે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળનું સૌથી મોટું રોકાણ છે
ભારતમાં ડિસેમ્બર 2021માં શરૂ કરાયેલ આ સેમિકન્ડક્ટર મિશનનો હેતુ ભારતને સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં મહત્ત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાન આપવાનો છે. આ વિઝનને અનુરૂપ, 22 જૂનના રોજ, વૈશ્વિક સેમિકન્ડક્ટર જાયન્ટ માઈક્રોને ગુજરાતમાં નવી એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા બનાવવા માટે USD 825 મિલિયનનું રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના પ્રથમ સેમી-કન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવવાની એક મહત્ત્વની ક્ષણ છે. વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બર 2024 સુધીમાં પ્રથમ સ્વદેશી માઈક્રોચિપ્સ બહાર આવવાની અપેક્ષા છે.