બ્રિટનમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં આ ઉનાળામાં 15 ટકાનો ભાવ વધારો આવે તેવી શક્યતા છે અને 2023 સુધી તે ઉચ્ચ સ્તરે રહેશે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્રોસરી ડિસ્ટ્રિબ્યુશન (IGD) એ જણાવ્યું હતું.
ભાવ વધારાથી દેશના રોકડની અછત અનુભવતા સંકટગ્રસ્ત ગ્રાહકોને વધુ એક ફટકો પડશે.
બ્રિટનમાં કરિયાણાની કિંમતનો ફુગાવો 15મી મેથી ચાર અઠવાડિયામાં 7 ટકા ઉપર પહોંચ્યો હતો, જે 13 વર્ષમાં તેની સૌથી વધુ સપાટી પર છે. બ્રિટનના સત્તાવાર ફુગાવાનો દર એપ્રિલમાં 9 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. 2022માં પછીથી 10 ટકાને વટાવી જવાની આગાહી કરાય છે. જ્યારે એનર્જીના ટેરિફમાં 40 ટકાનો વધારો થવાનો છે.
IGDએ આગાહી કરી હતી કે ચાર વ્યક્તિના સામાન્ય પરિવાર માટે કરિયાણા પરનો સરેરાશ માસિક ખર્ચ જાન્યુઆરી 2023માં 439 પાઉન્ડ સુધી પહોંચશે, જે જાન્યુઆરી 2022માં 396 પાઉન્ડ હતો. અપેક્ષા છે માંસ, અનાજ ઉત્પાદનો, ડેરી, ફળ અને શાકભાજીની કિંમતોમાં સૌથી વધુ વધારો થશે.
બ્રિટનના ચાર સૌથી મોટા ગ્રોસર્સ, માર્કેટ લીડર ટેસ્કો, સેઇન્સબરી, આસ્ડા અને મોરિસન્સ બધાએ 15 ટકાના આંકડા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.