કરિયાણાની કિંમતમાં થતા વધારાની ગતિ આ વર્ષે તેના સૌથી નીચા માસિક દરે રહી છે, પરંતુ તે હજુ પણ 2008 પછીના છઠ્ઠા ઉચ્ચતમ સ્તરે છે. કાંતારના ડેટા મુજબ કરિયાણાની કિંમતનો ફુગાવો 11 જૂન સુધીના ચાર સપ્તાહ માટે ઘટીને 16.5 ટકા થયો હતો, જે ગયા મહિને 17.2 ટકા અને માર્ચમાં 17.5 ટકા હતો.
માર્કેટ રીસર્ચના રિટેલ અને કન્ઝ્યુમર ઇન્સાઇટના વડા ફ્રેઝર મેક’કેવિટે જણાવ્યું હતું કે ‘’16.5 ટકાના દરે ભાવ વધતા હોય તે ઉજવણી કરવા જેવી બાબત નથી. પરંતુ જો તેને ગત સમરના ગ્રોસરીના ફુગાવાના વધતા દર સાથે સરખામણી કરવામાં આવે તો તે આવતા મહિનાઓમાં ઘટવાનું ચાલુ રાખશે.”
યુક્રેન પર રશિયાના આક્રમણના પરિણામે એનર્જી ખર્ચમાં વધારો થયો હતો. ઓક્ટોબરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇનફ્લેશન 11.1 ટકા જેટલો ઊંચો થયો હતો. હવે એનર્જી પ્રાઇસમાં ઘટાડો થયા બાદ ખાદ્યપદાર્થોની કિંમતો ઘટી રહી છે. ખાદ્યપદાર્થોના ઊંચા ભાવોએ ઘરના બજેટને અસર કરી છે અને તેને કારણે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ તપાસની સૂચના આપી છે.
અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે તાજેતરના મહિનાઓમાં જથ્થાબંધ ખાદ્યપદાર્થો અને શિપિંગના ખર્ચમાં તીવ્ર ઘટાડો થવાને કારણે ખાદ્યપદાર્થોના ખર્ચમાં ટૂંક સમયમાં ઘટાડો થશે. બ્રિટનની સૌથી મોટી સુપરમાર્કેટ ટેસ્કોએ તાજેતરના અઠવાડિયામાં કેટલાક માલસામાનના ભાવમાં ઘટાડો કર્યો છે.
ડિસ્કાઉન્ટર્સ ઑલ્ડીના વાર્ષિક વેચાણમાં 24.6 ટકાનો વધારા થયો છે જેને કારણે બજારનો હિસ્સો 10.2 ટકા વધ્યો હતો. જ્યારે લિડલનો હિસ્સો 7.7 ટકા હતો અને તેના વેચાણમાં 23.2 ટકાનો વધારો થયો હતો. જ્યારે ટેસ્કોનો બજાર હિસ્સો 27.1 ટકા હતો અને કુલ વેચાણમાં 8.9 ટકાનો વધારો થયો હતો.
