અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ સિસ્ટમમાં થતાં વિલંબની સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. પ્રોસેસિંગમાં અતિશય વિલંબ ઇન્ડિયન અમેરિકન્સ અને ત્યાં રહેતા તેમના આશ્રિત બાળકો સામેની એક મોટી મુશ્કેલી છે. કેટલાંક કિસ્સામાં ગ્રીન કોર્ડના પ્રોસેસિંગમાં ઘણા દાયકા વીતિ ગયા છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ શુક્રવારે જણાવ્યું હતું કે “પ્રેસિડન્ટ ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ સિસ્ટમમાં વિલંબનો પણ ઉકેલ લાવવા માગે છે. ” તેઓ આશરે 80,000 રોજગારી આધારિત ગ્રીન કાર્ડ નંબરનો ઉપયોગ ન થવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા.
અમેરિકામાં રોજગારી આધારિત ગ્રીન કાર્ડ નંબરને સત્તાવાર રીતે લિગલ પર્મેનન્ટ રેસિડન્સી કહેવામાં આવે છે. આવા 80,000 ગ્રીન કાર્ડ નંબર પહેલી ઓક્ટોબરે વણવપરાયેલા રહ્યાં હતા અને તેનાથી રદ થયા હતા. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા લાખ્ખો લોકોને તેની ફાળવણી કરી શક્યું ન હતું.
આ ગ્રીન કાર્ડ સ્લોટ એક્સ્પાયર ન થાય તે માટે નિયમોમાં જરૂરી સુધારો કરવા ઇન્ડિયન ટેકનોલોજી પ્રોફેશનલ્સે બાઇડન સરકાર અને અમેરિકાની સંસદની અનુરોધ કર્યો હતો. સેંકડો પ્રોફેશનલ્સ દાયકાઓથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે.
આ સપ્તાહના પ્રારંભમાં સંસદસભ્ય મેરિયેનેટી મિલર-મીક્સે પ્રિઝર્વિંગ એમ્પ્લોયમેન્ટ વીઝા એક્ટ રજૂ કર્યો હતો. તેનો હેતુ વણવપરાયેલા રોજગારી આધારિત વીઝાનો નાણાકીય વર્ષ 2020 અને 2021માં ઉપયોગ કરવાની છૂટ અંગેનો છે. મિલર-મીક્સે જણાવ્યું હતું કે “આપણી ઇમિગ્રેશન સિસ્ટમ વાજબી અને સુવ્યવસ્થિત બને તે તેમની ટોચની પ્રાથમિકતા છે. આ વિઝાને સંસદને મંજૂર કર્યા છે અને જો કોરોના મહામારીમાં ઉપયોગ ન થયો હોય તો તેનો હવે ઉપયોગ કરવો જોઇએ. ”
2020ના નાણાકીય વર્ષમાં 122,000 ફેમિલી પ્રેફરન્સ વિઝા વણવપરાયેલા રહ્યાં હતા. તેનાથી 2020-21ના નાણાકીય વર્ષ માટે ઉપલબ્ધ રોજગાર આધારિત વિઝાની સંખ્યા વધીને 226,000 થઈ હતી.
રોજગાર આધારિત વિઝામાં આ નાટકીય વધારાથી ગ્રીન કાર્ડ બેકલોગમાં ઘટાડો કરવાની અજોડ તક ઊભી થઈ છે. USCIS દ્વારા પ્રોસેસિંગમાં વિલંબથી આ રોજગારી આધારિત વિઝા એક્સપાયર થઈ જશે.
કોર્ટમાં તાજેતરમાં આપવામાં આવેલી માહિતી મુજબ આવા 83,000 વિઝા એક્સ્પાયર થવાની તૈયારીમાં છે અને આ વર્ષના ઓક્ટોબરમાં તે એક્સ્પાયર થયા છે.