અમેરિકામાં એક મહત્ત્વ કોંગ્રેશનલ કમિટીએ રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝા પર ગ્રીન કાર્ડ આપવા માટેની દેશદીઠ મર્યાદાને દૂર કરવા અને પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટેની દેશદીઠ મર્યાદા સાત ટકાથી વધારીને 15 ટકા કરવા માટે કાયદો પસાર કર્યો છે. આથી હવે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ માટે દસકાઓથી રાહ જોઈ રહેલા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને લાભ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ગ્રીન કાર્ડ, જે અધિકૃત રીતે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ તરીકે જાણીતું છે, તે ઇમિગ્રન્ટ્સને ઇસ્યુ કરાયેલ એક એવું ડોક્યુમેન્ટ છે, જેનાથી એવું સાબિત થાય છે કે, આ કાર્ડધારકને અમેરિકામાં કાયમી રહેવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.
જ્યારે કાનૂની કાર્યવાહીના અંતે તેના પર હસ્તાક્ષર કરીને તેને કાયદો બનાવવામાં આવશે ત્યારે ભારત અને ચીનના ઇમિગ્રન્ટ્સને ઘણો ફાયદો થશે, જેના માટે હજ્જારોની સંખ્યામાં રોજગાર આધારિત શ્રેણીના લોકો અત્યારે તેમના ગ્રીન કાર્ડ અથવા કાયમી કાયદાકીય રહેવાસી થવા માટે દસકાઓથી રાહ જોઈ રહ્યા છે.
કલાકો સુધીની લાંબી ચર્ચા પછી, બુધવારે મોડી રાત્રે મહત્ત્વની ગણાતી હાઉસ જ્યુડિશિયરી કમિટીએ 22 વિરુદ્ધ 14 મતોથી ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડસ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ (EAGLE) એક્ટ પસાર કર્યો હતો.
આ બિલને હવે ચર્ચા અને મતદાન માટે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં મોકલવામાં આવ્યું છે. તેને પ્રેસિડેન્ટ જો બિડેનના હસ્તાક્ષર કરવા માટે વ્હાઇટ હાઉસમાં મોકલવામાં આવે તે પહેલાં તેને યુએસ સેનેટ દ્વારા પસાર કરવું જરૂરી હોય છે.
આ અંગે હાઉસ જ્યુડિશિયરી કમિટીમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસવૂમન ઝો લોફગ્રેને જણાવ્યું હતું કે, ‘શું થયું છે, આપણે જે રીતે આ સીસ્ટમ બનાવી છે, તેના કારણે, જે લોકો સમાન લાયકાત ધરાવે છે- કેટલાક કિસ્સાઓમાં, વધુ લાયકાત ધરાવે છે- તેઓ ફક્ત તેમના જન્મના દેશને કારણે લોકો પાછળ પડી રહ્યા છે, નહીં કે તેમની યોગ્યતાના આધારે. અમેરિકા કંઇ અવસરવાદી સમાજ નથી.’
ભારતના આઇટી પ્રોફેશનલ્સ, જેમાંથી મોટાભાગના લોકો ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને મુખ્યત્વે H-1B વર્ક વિઝા પર અમેરિકા આવે છે, તેઓ અત્યારની ઇમિગ્રેશન સીસ્ટમના સૌથી ખરાબ ભોગ બન્યા છે, જેમને પ્રખ્યાત ગ્રીન કાર્ડની ફાળવણીમાં દેશ દીઠ સાત ટકા હિસ્સો ફાળવવામાં આવ્યો છે.
હાઉસ જ્યુડિશિયરી કમિટીના મત મુજબ, આ બિલમાં રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા પર દેશ દીઠ મર્યાદાને નાબૂદ કરવામાં આવી છે અને પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટે દેશ દીઠ મર્યાદા સાત ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
આ બિલ વધુમાં EB-2 અને EB-3 રોજગાર આધારિત વિઝા શ્રેણીઓમાં દેશ દીઠ મર્યાદાને નાબૂદ કરવા માટે નવ વર્ષનો સ્થળાંતરનો સમયગાળો રાખવામાં આવ્યો છે. જેમાં ભારત અને ચીન સિવાયના દેશો માટે પ્રથમ નાણાકીય વર્ષમાં 30 ટકા વિઝા હશે અને સાતમા, આઠમા અને નવમા વર્ષમાં પાંચ ટકા વિઝા અનામત રાખવામાં આવશે.