અમેરિકામાં રહેતા હજારો ભારતીય અમેરિકન આઈટી પ્રોફેશનલ્સની પરેશાની વધે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ મહિનામાં એક લાખ ગ્રીનકાર્ડ્સનો ક્વોટા બિનઉપયોગી થવાથી રદ્ થાય તેવી સંભાવના છે. ૩૦મી સપ્ટેમ્બર પહેલાં આ કાર્ડ્સનો ક્વોટા રીન્યૂ કરવા યોગ્ય પગલાં નહીં લેવાય તો અસંખ્ય લોકોની મુશ્કેલી વધશે. રોજગાર આધારિત એક લાખ ગ્રીન કાર્ડ્સનો ક્વોટા આગામી બે-ત્રણ માસમાં જ રદ્ થાય તેવી શક્યતા છે. એના કારણે ભારતીય મૂળના હજારો આઈટી પ્રોફેશનલ્સમાં રોષ ફેલાયો છે. તેમના કાયમી નિવાસનું વેઈટિંગ એકાદ દશકા સુધી લંબાઈ શકે છે. ગ્રીન કાર્ડ સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ તરીકે ઓળખાય છે.
આઈટી પ્રોફેશનલ્સ માટે ચાલુ વર્ષે રોજગાર આધારિત ૨,૬૧,૫૦૦ વિઝા મંજૂર થયા છે. સામાન્ય રીતે આ ક્વોટા ૧,૪૦,૦૦૦નો હોય છે. આ વિઝા ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યુ કરવામાં આવશે નહીં તો તે રદ્ થઈ જશે. આ વિચિત્ર સ્થિતિ સામે ભારત અને ચીનના ૧૨૫ આઈટી પ્રોફેશનલ્સે અમેરિકાની કોર્ટમાં અરજી કરી છે. અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે જ એક લાખ કરતા વધુ ગ્રીનકાર્ડ્સનો ક્વોટા રદ્ થાય તેવા સંકેતો આપ્યા હતા. ભારતીય આઈટી નિષ્ણાતોએ આરોપ લગાવ્યો હતો કે આ સ્થિતિ પાછળ બાઈડેનની સરકાર જવાબદાર છે. તેમણે આ મુદ્દે અત્યાર સુધીમાં કોઈ જ પગલાં ભર્યા ન હોવાથી લાખ પીઆર રદ્ થાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. વ્હાઈટ હાઉસને આ બાબતે પૂછવામાં આવ્યું હતું, પરંતુ સરકારે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.
વિદેશી વિદ્યાર્થીઓને વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવોઃ અમેરિકન સાંસદોની માગ
અમેરિકાના ૨૪ સાંસદોએ વિદેશ પ્રધાન ટોની બ્લિન્કનને પત્ર લખીને સ્ટુડન્ટ્સ વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવાની રજૂઆત કરી હતી. ભારતના અસંખ્ય સ્ટુડન્ટ્સ અમેરિકામાં વિઝા મેળવવાની રાહ જોઈ રહ્યા ત્યારે આ રજૂઆતની અસર થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. અમેરિકાના પ્રભાવશાળી સાંસદોના જૂથે બાઈડેન સરકાર સામે વિઝા પ્રક્રિયા ધીમી પડવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સાંસદોએ વિદેશ પ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે કોરાનાને કારણે વિદેશી સ્ટુડન્ટ્સને આપવામાં આવતા વિઝાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હોવાથી તેને ઝડપી બનાવવાની જરુરિયાત છે.