અમેરિકામાં કોંગ્રેસની જ્યુડિસિયરી કમિટીએ ઘડેલા એક ખરડા મુજબ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજ્જારો ઈમિગ્રાન્ટ્સને વધારાની 5,000 અમેરિકન ડોલર્સ સુધીની ફી વસુલ કરીને ગ્રીન કાર્ડ્સ આપી શકાશે.
આ ખરડાનો અમેરિકાના બજેટના રીકન્સીલિએશન પેકેજમાં સમાવેશ કરાય અને તેને સંસદના બન્ને ગૃહની બહાલી મળે તો એ કાયદો બની શકે અને તેનાથી ખાસ કરીને ભારતના આઈટી પ્રોફેશનલ્સ સહિતના ગ્રીન કાર્ડ્સની રાહ જોઈ રહેલા અનેક લોકો, પરિવારોને ગ્રીન કાર્ડ્સના વેઈટિંગ લિસ્ટમાંથી મુક્તિ મળે.
ઈમિગ્રેશનની બાબતો જેની હકુમતમાં આવે છે તે અમેરિકન પ્રતિનિધિગૃહની જ્યુડિસિયરી કમિટીએ આ ખરડાની વિગતો જાહેર કરી છે, તે મુજબ એમ્પ્લોયમેન્ટ આધારિત ઈમિગ્રાન્ટ્સને તેમની અરજીની પ્રાયોરિટીની તારીખ બે વર્ષ કરતાં વધુની હોય તો તેઓ વધારાની 5,000 ડોલર્સની ફી ચૂકવીને રાહ જોયા વિના સત્વરે ગ્રીન કાર્ડ મેળવી શકે તેવી જોગવાઈની દરખાસ્ત છે. આ સૂચિત નવો કાયદો 2031 સુધી જ અમલમાં રહેશે, એમ ફોર્બ્સ મેગેઝિનના અહેવાલમાં જણાવાયું છે.
કોઈ અમેરિકન નાગરિકે સ્પોન્સર કર્યા હોય તેવા ફેમિલી આધારિત ઈમિગ્રન્ટ્સની અરજીની પ્રાયોરિટીની તારીખ બે વર્ષ કરતાં વધુની હોય તો તેમણે ત્વરિત ગ્રીન કાર્ડ મેળવવા માટે 2,500 ડોલર્સની ફી ચૂકવવાની જોગવાઈ કરાઈ છે.
કોઈ અરજદારની પ્રાયોરિટીની તારીખ બે વર્ષથી ઓછા સમયની હોય પણ તેમની અમેરિકામાં ઉપસ્થિતિની આવશ્કયકતા હોય તો તેવા લોકો માટે વધારાની ફી 1,500 ડોલર્સની રહેશે. આ વધારાની ફી ઉપરાંત અરજદારોએ રાબેતા મુજબની અન્ય પ્રોસેસિંગ ફી તો ચૂકવવાની રહેશે જ.
આ બિલમાં જો કે, અમેરિકાની કાનૂની ઈમિગ્રેશન પ્રણાલિમાં બીજા કોઈ માળખાકિય ફેરફારની જોગવાઈ નથી. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ આ ખરડો બહાલી સાથે કાયદો બને તો અમેરિકામાં બાળકો તરીકે વર્ષો અગાઉ આવેલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રાન્ટ્સ, ટેમ્પરરી પ્રોટેકટેડ સ્ટેટસ બેનીફિસિયરીઝ, ખેત મજુરો તેમજ કોરોનાના રોગચાળાના કાળમાં આવેલા મહત્ત્વના ક્ષેત્રોના કામદારો – કર્મચારીઓ પણ અમેરિકામાં કાયમી વસવાટની મંજુરી – ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે.