ગ્રાન્ટ થોર્નટન ઈન્ડિયા મીટ બ્રિટન ટ્રેકરની આઠમી આવૃત્તિએ ભારતીય કંપનીઓએ યુકેના અર્થતંત્રમાં આપેલા નોંધપાત્ર યોગદાનના આંકડાઓમાં પાછલા વર્ષના અહેવાલની તુલનામાં લગભગ દરેક ક્ષેત્રે યોગદાન વધ્યું હોવાનું જણાયું છે.
ગ્રાન્ટ થોર્નટન યુકે એલએલપી દ્વારા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી, યુકેમાં સમાવિષ્ટ ભારતીય હિતો દ્વારા માલિકી ઘરાવતી અથવા નિયંત્રિત થતી મર્યાદિત કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કરાય છે.
આ વર્ષના સંશોધનમાં જાણવા મળ્યું છે કે યુકેમાં કાર્યરત 850 ભારતીય કંપનીઓએ 2020માં કુલ ટર્નઓવર £41.2 બિલિયન સામે 2021માં £50.8 બિલિયનનું ટર્નઓવર નોઁધાવ્યું હતું. આ કંપનીઓ ગયા વર્ષે 2020માં 110,793 લોકોને રોજગાર આપતી હતી જે સંખ્યા આ વર્ષે 116,046 થઇ છે. કંપનીઓએ આ વર્ષે £459.2 મિલિયન કોર્પોરેશન ટેક્સ ચૂકવ્યો હતો જે 2020માં £461.8 મિલિયન હતો. કંપનીના બોર્ડમાં 2020માં ઓછામાં ઓછી એક મહિલા હતી જેની સરખામણીએ મહિલાઓનું પ્રતિનિધિત્વ 2021માં 47 ટકા નોંધાયું હતું.
યુકે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળતું હોવાથી સતત અનિશ્ચિતતા હોવા છતાં, 2020 દરમિયાન, ભારતીયોએ યુકેમાં સતત રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ આખા વર્ષ દરમિયાન દસ એક્વિઝિશન સાથે સંકળાયેલા હતા, જેમાં ટેક્નોલૉજી અને ટેલીકોમ ઉદ્યોગમાં ચાર અને મેન્યુફેક્ચરિંગમાં 2 ડીલનો સમાવેશ થાય છે.
લંડન સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ માટે પસંદગીનું સ્થાન રહ્યું છે. આ વર્ષના અહેવાલમાં સૌથી ઝડપથી વિકસતી ભારતીય કંપનીઓમાંથી અડધી (53%) લંડન સ્થિત છે. આ વર્ષના ટ્રેકરે શોધી કાઢ્યુ હતું કે સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંથી અડધી (53%) કંપનીઓના બોર્ડમાં સ્ત્રી ડિરેક્ટર છે. 850 ભારતીય કંપનીઓમાંથી 47% કંપનીઓએ તેમના બોર્ડમાં મહિલા ડિરેક્ટરનો અહેવાલ આપ્યો છે.
ગ્રાન્ટ થોર્નર્ટન યુકે એલએલપીના સાઉથ એશિયા બિઝનેસ ગૃપના હેડ અનુજ ચાંદેએ ટિપ્પણી કરી હતી કે “પાછલા વર્ષના પડકારો હોવા છતાં અને બ્રિટન બ્રેક્ઝિટ પછીના વિશ્વભરમાં વેપાર અને રોકાણની લિંક્સમાં વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાથી બ્રિટન અને ભારત વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધો વધુ ગાઢ બનશે. બ્રેક્ઝિટ યુકે-ભારતના સંબંધો માટે મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે. યુકેની ઇમિગ્રેશન નીતિમાં કુશળ કામદારો માટેના વિઝા માટેની નવી પોઇન્ટ-બેઝ્ડ સિસ્ટમ ભારતને નોંધપાત્ર ફાયદો પહોંચાડે તેવી સંભાવના છે.”
ઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી ગેરી ગ્રીમસ્ટોને કહ્યું હતું કે “હું આ તારણોને આવકારું છું, જે દર્શાવે છે કે યુકે ભારતીય રોકાણકારો માટે ખૂબ આકર્ષક સ્થળ બની રહ્યું છે.’’
યુકેમાં ભારતના હાઈ કમિશનર, શ્રીમતી ગાયત્રી ઇસાર કુમારે ઉમેર્યું હતું કે “રોગચાળો હોવા છતાં ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વેપાર અને રોકાણનો પ્રવાહ સકારાત્મક માર્ગ પર રહ્યો છે. અમારી સરકારો વેપાર અવરોધોને દૂર કરવા અને નવીનીકરણ અને તકનીકી વિકાસમાં સહયોગ આપવા પ્રતિબદ્ધ છે.’’