અમેરિકાના લાસ વેગાસ ખાતે રવિવારની રાત્રે એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરીનામાં સંગીતના સૌથી મોટા એવોર્ડ સમારંભમાં ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો બીજો ગ્રેમી પુરસ્કાર મળ્યો છે. તેમને ‘ડિવાઇન ટાઇડ્સ’ માટે સ્ટુવર્ટ કોપલેન્ડ સાથે આ એવોર્ડ મળ્યો છે. ભારતીય અમેરિકી ગાયક ફાલ્ગુની શાહને પણ બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કેટેગરી કેટેગરી માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ફાલ્ગુનીને ‘અ કલરફુલ વર્લ્ડ’ આલ્બમ માટે સન્માનિત કરવામાં આવી છે. એવોર્ડ સ્વીકારતા ફાલ્ગુની શાહે જણાવ્યું હતું કે ભારતમાંથી મારી માતા જૂનું હાલરડું ગાતી હોય અને અમેરિકાના માતાપિતા પાસેથી તેનો પ્રતિસાદ મળે તેની કોને કલ્પના કરી હશે.
રિકીએ સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે ‘નમસ્તે’ દ્વારા અભિવાદન કર્યું હતું. રિકીએ સ્ટુવર્ટ સાથેનો ફોટો ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મહાન વ્યક્તિ સાથે ઉભા રહેવામાં કૃતજ્ઞતા અને પ્રેમનો અનુભવ થઈ રહ્યો છે. મારો બીજો ગ્રેમી અને સ્ટીવર્ટનો છઠ્ઠો એવોર્ડ. સંગીતમાં આ સહયોગ, કામ આપવા કે સાંભળવા માટે તમારા સૌનો આભાર. તમે છો એ કારણે જ મારૂં અસ્તિત્વ છે.’ અમેરિકામાં જન્મેલા પરંતુ બેંગલુરૂમાં રહેતા રિકીને વર્ષ 2015માં પોતાના આલ્બમ ‘વિંડ્સ ઓફ સમસરા’ માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો પ્રથમ ગ્રેમી પુરસ્કાર મળ્યો હતો.
ન્યૂ યોર્ક સ્થિત ઇન્ડિયન સિંગર ફાલ્ગુની શાહે ગ્રેમીનું આયોજન કરતી રેકોર્ડિંગ એકેડમીનો આભાર માન્યો હતો. મુંબઈમાં જન્મેલી સિંગર અને સોંગરાઇટરે જણાવ્યું હતું કે “આજના મેજિકના વર્ણન માટે મારા પાસે કોઇ શબ્દો નથી. ઇન્ડિયન ક્લાસિકલ વોકલ ટેલેન્ડ સાથે મોડર્ન ઇન્વેન્ટિવ સ્ટાઇલ માટે જાણીતી આ ગાયિકને અગાઉ 2018ના આલ્મબ ‘ફાલુસ બઝાર’ માટે આ જ કેટેગરીમાં ગ્રેમી માટે નોમિટેડ કરાઈ હતી. ફાલ્ગુની શાહે જયપુર સંગીત ઘરાનામાં હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની તાલિમ લીધી છે. તેને કુમુદી મુન્શી પાસેથી ઠુમરીની બનારસ શૈલી અને ઉદય મઝુમદાર પાસેથી સેમી ક્લાસિક મ્યુઝિકની તાલિમ લીધી છે.