રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં 15 જાન્યુઆરીથી ફરી કોલ્ડવેવ ચાલુ થઈ હતી. દિલ્હીમાં સોમવાર, 16 જાન્યુઆરીની વહેલી સવારે લઘતુમ તાપમાન ઘટીને 1.4 ડિગ્રી સેલ્શિયસ થયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું હતું. રાજસ્થાનના થાર રણની નજીક આવેલા ચુરુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિલ્હીમાં માત્ર બે દિવસમાં લઘુતમ તાપમાનમાં નવ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીનું તાપમાન 2021 પછી જાન્યુઆરીમાં સૌથી ઓછું હતું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પણ કોલ્ડવેવની સ્થિતિ અને ધુમ્મસવાળું હવામાન રહ્યું હતું. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં 16 જાન્યુઆરીથી અને 18 જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી કરી હતી અને કેટલાંક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જવાની આગાહી કરી હતી.
હરિયાણાના હિસારમાં લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પંજાબના અમૃતસરમાં તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના ફતેહપુર અને ચૂરૂ સૌથી ઠંડા સ્થળ રહ્યા. ફતેહપુરમાં તાપમાનનો પારો માઈનસ 4.7 ડિગ્રી અને ચૂરૂમાં માઇનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ગયો હતો. આ સિઝનમાં રાજસ્થાનના રણમાં પહેલીવાર બરફ જોવા મળ્યો હતો. ઠંડીને કારણે હરિયાણા અને ચંડીગઢે શાળાની રજા લંબાવી દીધી હતી. હવે શાળાઓ 21 જાન્યુઆરીથી ખુલશે. દિલ્હીમાં 5 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી તીવ્ર શીત લહેર જોવા મળી હતી, જે એક દાયકામાં મહિનામાં બીજી સૌથી લાંબી હતી.