ડો. અશ્વિન પટેલ, MBBS, MS, FRCS
જીપી, પ્રેસ્ટન રોડ મેડિકલ સેન્ટર, વેમ્બલી
પ્રેસ્ટન રોડ મેડિકલ સેન્ટર, વેમ્બલી ખાતે છેલ્લા 32 વર્ષથી જીપી કરીકે સેવા આપતા ડો. અશ્વિન પટેલે જણાવ્યું હતું કે અમારી સર્જરી દ્વારા 80 વર્ષ કરતા વઘુ વયના 80 ટકા કરતા વધુ લોકોને અમે વેક્સીન માટે આમંત્રણ આપી ચૂક્યા છીએ. જે લોકોની પાસે મોબાઇલ ફોન નથી તેવા વડિલોની અમે ફોન કરીને તેમની એપોઇન્ટમેન્ટ બુક કરી છે.
ડો. અશ્વિન પટેલે જણાવ્યું હતું કે ‘’આપ સૌ જાણો છો કે કોરોનાવાયરસના સ્પાઇક્સ માનવ શરીરના સેલ પર આક્રમણ કરે છે. તે જ સ્પાઇક્સમાંના પ્રોટિન્સના ભાગ લઇને વેક્સીન બનાવાઇ છે. આ વેક્સીન આપવામાં આવે એટલે માણસનું શરીર એમ સમજે છે કે કોરોનાવાયરસે તેના પર આક્રમણ કર્યું છે. એટલે માણસનું શરીર તેની સામે લડવા માટે નવુ એન્ટી બોડીઝનું લશ્કર બનાવે છે. તે પછી જ્યારે પણ તે માનવ શરીર સાચા કોરોનાવાયરસના સંપર્કમાં આવે છે ત્યારે શરીરમાં રસીના કારણે પહેલેથી જ હાજર એન્ટી બોડી વાયરસ સામે લડવા માંડે છે અને વાયરસને હરાવી દે છે અને ભોગ બનનારનું જીવન બચી જાય છે. BAME અને આપણા એશિયન લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ઇમ્યુનિટી ઓછી હોય છે. તેમાં પણ આપણા લોકોને ડાયાબિટીશ, અસ્થમા, ચેસ્ટ ઇન્ફેક્શન, હ્રદય રોગ અને અન્ય ઘણી સમસ્યાઓ હોય છે જેને કારણે આપણા લોકોને કોરોનાવાયરસ સામે બચાવવા મુશ્કેલ થઇ જાય છે અને છેલ્લે તેઓ મરણ પામી શકે છે. આવા ઓચિંતા મરણને રોકવા પ્રિવેન્શન એટલે કે પ્રતિકારક શક્તિ અને પ્રોટેક્શન એટલે કે સુરક્ષા મેળવવી પડે છે. માસ્ક, સોસ્યલ ડિસ્ટન્સીસ, હાથ ધોવા જેવી પ્રતિકારકતા કેળવીને આપણે બચી શકીએ છીએ પણ છેલ્લે જરૂર તો સુરક્ષાની એટલે કે વેક્સીનની જ પડે છે.’’
તા. 17-12-20ના રોજ રસી લેનાર ડો. પટેલે જણાવ્યું હતું કે ‘’ખૂબ જ સંશોધન અને ટ્રાયલ્સ બાદ તૈયાર કરવામાં આવેલી આ વેક્સીન રાત દિવસની મહેનત બાદ તૈયાર કરાઇ છે. ભલે તેને મંજૂરી આપવામાં ઝડપ કરવામાં આવી હોય પણ હોય પણ તે ખૂબ જ સુરક્ષીત અને અસરકારક બન્ને છે અને ફાઇઝર 95 ટકા અને મોડેર્ના 94 ટકા જેટલી સરકારકતા ધરાવતી હોવાનું જાહેર કરાયું છે. યુકે અને યુએસએ દ્વારા ફાઇઝરને મંજૂરી આપવામાં આવી છે. બન્ને રસીઓને બનાવનાર વૈજ્ઞાનિકોને અને કંપનીઓને સાચા દિલથી અભિનંદન આપવા જોઇએ. વિચારો કે જો આ રસી આપવાનું શરૂ કરાયું ન હોત તો બે-ત્રણ મહિના કે વર્ષમાં કેટલા બધા લોકો આખી દુનિયામાં મરણ પામ્યા હોત. મારી સર્જરીમાં 80 કરતા વધુ વયના લગભગ 150 કરતા વધારે લોકો છે જેમાંના 40 કરતાં વધુ લોકોને અમે રસી આપી ચૂક્યા છીએ અને આજ દિન સુધીમાં કોઇ એક પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી. વેક્સીનની સામાન્ય આડઅસર જેમ કે તાવ આવવો કે તે ભાગે થોડું દુખી શકે છે. ફાઇઝર વેક્સીનને કારણે હજૂ સુધી માત્ર બે જ વ્યક્તિને એલર્જીક રિએક્શનની ફરિયાદ રહી છે અને તે પછી જેમને એલર્જી થતી હોય તેમને રસી આપવામાં આવતી નથી. અમે રસી આપતાં પહેલા એલર્જી વિષે પૂછતાં હોઇએ છીએ વળી અમારે પાસે આવા દર્દીઓનો રેકોર્ડ પહેલેથી જ હોય છે. એટલે ડબલ તકેદારી લેવામાં આવે છે. વળી અમે દરેક વ્યક્તિને રસી આપ્યા પછી 15 મિનીટ માટે તેમને ઑબ્ઝર્વ કરીએ છીએ અને ઑલ ઓકે લાગે પછી જ જવા દઇએ છીએ. આ બધુ જોયા પછી એક ડોક્ટર તરીકે હું જવાબદારીપૂર્વક કહી શકું છું કે કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રસી લેવી જરૂરી છે અને આ રસી સૌથી સુરક્ષીત રસી છે. રસી લીધા પછી પણ તેની પૂરેપૂરી અસર ન થાય ત્યાં સુધી સૌએ કાળજી લેવી જરૂરી છે.’’
ડો પટેલે જણાવ્યું હતું કે ‘’લોકો રસી લેશે તો જ તેમના જીવન ધબકતા થશે. આપણે એકબીજા ખુલ્લા દિલે હળીમળી શકીશું, ધંધો રોજગાર પાછા આવશે, લોકોને નોકરીઓ મળી રહેશે. બધા લોકોને વેક્સીન મળી જાય ત્યાં સુધી આ બાબતે કાળજી રાખવી જરૂરી છે.’’