ભારત સરકારે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના ભૂતપૂર્વ પ્રધાન મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવાની કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)ને મંજૂરી આપી છે. એજન્સીએ શુક્રવારે વિશેષ અદાલત સમક્ષ મંજુરી પત્ર રજૂ કર્યો હતો. લાલુ પ્રસાદ યાદવ અગાઉથી ઘાસચારા કૌભાંડ સહિતના અનેક કૌભાંડનો સામનો કરી રહ્યાં છે અને આ નવા કેસથી તેમની મુશ્કેલીમાં વધારો થશે.
સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેવા માટે સક્ષમ ઓથોરિટી તરફથી કાર્યવાહી કરવાની મંજૂરી એ વિશેષ અદાલત માટે પૂર્વશરત છે.
લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે પ્રધાન હતા ત્યારે લેન્ડ ફોર જોબ કૌભાંડ થયું હોવાનો આરોપ છે. રેલવેમાં કથિત નિમણૂકોના સંબંધમાં સીબીઆઈએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે યાદવ, તેની પત્ની રાબડી દેવી અને અન્ય 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની નોંધ લીધી ન હતી. લાલુ પરિવારે રેલવેમાં નોકરીના બદલે લોકોની જમીન લીધી હોવાનો આરોપ છે.
દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં એજન્સીએ લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી, મધ્ય રેલ્વેના ભૂતપૂર્વ જનરલ મેનેજર સૌમ્યા રાઘવન, ભૂતપૂર્વ સીપીઓ રેલ્વે કમલ દીપ મૈનરાઈ સહિતના નામો આપ્યા હતા.