અમેરિકાના ડેલાવેર સ્ટેટના ગવર્નર જ્હોન કાર્ની અને પ્રતિનિધિમંડળે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત અને ડેલાવેર સ્ટેટ વચ્ચે થયેલા સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ, બાયોટેક અને ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રોમાં બંને રાજ્યો વચ્ચે સહભાગિતાનું ફલક વિસ્તારવા અંગે તેમણે ચર્ચા કરી હતી.
ગુજરાત અને ડેલાવેર વચ્ચે ર૦૧૯માં સિસ્ટર-સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP 2020 એ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં તેમની આંતરરાષ્ટ્રીય શાખા-કેમ્પસ સ્થાપવાની તકો ખોલી આપી છે. આ સંદર્ભમાં યુનિવર્સિટી ઓફ ડેલાવેર અને ડેલાવેર સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતમાં ગિફટ સિટીમાં કેમ્પસ સ્થાપવા વિચારી શકે છે. ડેલાવેર સ્ટેટના ગવર્નરે કહ્યું હતું કે, અમેરિકામાં ૪૫ લાખ ભારતીય ડાયસ્પોરામાંથી ૧પ.ર૦ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે અને યુ.એસ.એ ર૦૧પ અને ર૦૧૭ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી પણ હતું. ડેલાવેરના ગવર્નરે મુખ્યપ્રધાનને ડેલાવેર સ્ટેટની મુલાકાતે આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેલાવેર કમિશન ઓન ઇન્ડિયન હેરીટેજ એન્ડ કલ્ચરના ચેરમેન પલાશ ગુપ્તા તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.