એક સમયે વિશ્વના ટોચના 10 બિલિયોનેર્સની યાદીમાં સામેલ અનિલ અંબાણીની નાણાકીય મુશ્કેલીમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. મુકેશ અંબાણીના નાના ભાઇને એક પછી બીજી કંપનીઓ નાદારી નોંધાવી રહી છે અને સાવ નાંખી દેવાના ભાવે વેચાઇ રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર અનિલ અંબાણીની કંપની પાસેથી પાંચ એરપોર્ટ પરત લેવાની પ્રક્રિયામાં ચાલુ કરી છે.
મહારાષ્ટ્ર સરકાર વિકાસ માટે અનિલ અંબાણી ગ્રૂપને લીઝ પર આપેલા પાંચ એરપોર્ટ પાછા લેવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગે સંકેતો આપ્યા છે. વર્ષ 2008-09માં સરકારે અનિલ અંબાણીને બારામતી, નાંદેડ, ઉસ્માનાબાદ, લાતુર અને યવતમાલ એરપોર્ટના વિકાસ કાર્યની જવાબદારી સોંપી હતી. પરંતુ કંપની પડી ભાંગવાને કારણે ન તો આ એરપોર્ટની જાળવણી થઈ શકી કે ન તો બાકી રકમ ચૂકવાઈ. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી કે કંપનીને આ એરપોર્ટને વિકસાવવા અને તેમની કામગીરી શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીએ ન તો એરપોર્ટની જાળવણી કરી કે ન તો બાકી રકમ ચૂકવી છે. અમે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આ એરપોર્ટને કંપની પાસેથી પરત લેવાનું વિચારી રહ્યા છીએ.