ભારત સરકારે દેશમાં યોજાનારી તમામ રમત ગમત ઇવેન્ટ દરમિયાન પ્રેક્ષકોની હાજરી પર પ્રતિબંધ લાદી દેતાં આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિત તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન સામે જોખમ પેદા થયું છે. આ ઇવેન્ટ રદ કરાશે અથવા તો તેને મુલતવી રાખવાની આયોજકોને ફરજ પડશે. રમત મંત્રાલયે ગુરુવારે જારી કરેલા આદેશ મુજબ દેશભરમાં કોઈ પણ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જનમેદની એકત્રિત થવી જોઇએ નહીં. તેમાં પ્રેક્ષકોનો પણ સમાવેશ થઈ જાય છે.
આ આદેશ થતાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝની બાકીની બે મેચ, ગોવા ખાતે યોજાયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ અને રાજકોટમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલના અંતિમ દિવસની રમત ખાલી સ્ટેડિયમમાં રમાશે. આઇપીએલ અંગે બીસીસીઆઈએ મૌન ધારણ કર્યું છે અને શનિવારે યોજાનારી તેની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાનારો છે પરંતુ રમત મંત્રાલયના આદેશથી પૂરા સંકેત મળે છે કે આ વખતે આઇપીએલની મેચો પણ ખાલી સ્ટેડિયમમાં યોજાશે.
આ ઉપરાંત તેમાં વિદેશી ક્રિકેટર પણ ભાગ લઈ શકશે નહીં કેમ કે ભારત સરકારે 15મી એપ્રિલ સુધી કોઈ પણ વિદેશી નાગરિકને ભારતમાં પ્રવેશવાના વિઝા પર પ્રતિબંધ લાદી દીધો છે. આઇપીએલનો પ્રારંભ 29મી માર્ચથી મુંબઈમાં થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે પણ બીસીસીઆઈને સલાહ આપી છે કે તેઓ આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે નહીં પરંતુ તેમ છતાં તેઓ યોજવા માગતા હોય તો તે તેમનો પોતાનો નિર્ણય રહેશે.
આ ઉપરાંત એક અન્ય મહત્વના નિર્ણયમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જણાવ્યું હતું કે તેની આઇ-લીગની બાકી રહેલી 28 ફૂટબોલ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના છે જેમાં કોલકાતા ડર્બીની મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ વચ્ચેની મહત્વની મેચનો પણ સમાવેશ થઈ જાય છે. હજી બુધવારે જ ભારતીય બેડમિન્ટનની ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટ પ્રેક્ષકો વિના યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ ટુર્નામેન્ટ 24મી માર્ચથી શરૂ થનારી હતી.
સરકારના આદેશોને ધ્યાનમાં રાખીને ભારતના પેરાલિમ્પિક સમિતિએ તમામ નેશનલ અને સ્ટેટ ચેમ્પિયનશિપ 15મી એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય રમત સચિવ રાધે શ્યામ ઝુલણીયાએ જણાવ્યું હતું કે દેશમાં રમત ગમતની ઇવેન્ટ યોજી શકાય છે પરંતુ તેઓ પ્રેક્ષક વિના તે યોજી શકે છે.અમે બીસીસીઆઈ સહિત દેશભરના નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને આ મામલે આરોગ્ય મંત્રાલયના આદેશને અનુસરવાનું કહી દીધું છે. જેમાં જનમેદનીને એકત્રિત નહીં કરવાનો આદેશ છે અને તેમાં રમત ગમતની ઇવેન્ટનો પણ સમાવેશ થઈ જાય છે.