સરકાર ક્રૂડ ઓઇલના સાતત્યપૂર્ણ સપ્લાય માટે તમામ પગલાં લઈ રહી છે અને કોઇ એક પ્રદેશ પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના પણ પગલાં લઈ રહી છે. રાજ્યસભામાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન મીનાક્ષી લેખીએ એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ વિવિધ સ્રોતમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે તથા જાહેર અને ખાનગી ક્ષેત્રોની કંપનીઓ તેનું રિફાઇનિંગ કરે છે.
જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ તેમના પેટ્રોલિયમ બાસ્કેટને વિસ્તૃત બનાવ્યું છે તથા મધ્યપૂર્વ, યુરેશિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા જેવા વિવિધ દેશોમાંથી ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પશ્ચિમ દેશોએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા છે. આમ છતાં ભારત રશિયામાં ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કરી રહ્યું છે. ભારત માટે લાંબા સમયથી ગલ્ફના દેશો ક્રૂડ ઓઇલના સપ્લાય માટેનો વિશ્વસનીય સ્રોત છે.
રશિયામાંથી ક્રૂડ ઓઇલની ખરીદી બદલ અમેરિકાએ કોઇ વાંધો ઉઠાવ્યો છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં લેખીએ જણાવ્યું હતું કે ભારત સરકાર તેની એનર્જી સિક્યોરિટી સહિતના વિવિધ મુદ્દે અમેરિકાની સરકાર સાથે નિયમિત અંતરે વિચારવિમર્શ કરે છે.
બીજી એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન વી મુરલીધરને જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત માટે લેવલ-2 એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરી અમેરિકાના મુસાફરોને ભારતમાં સાવધ રહેવાની સલાહ આપે છે.