કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આવા લગ્નોથી વ્યક્તિગત કાયદાઓ અને સ્વીકૃત સામાજિક મૂલ્યોના નાજુક સંતુલનને સંપૂર્ણપણે ખોરવી નાંખશે.
સર્વોચ્ચ અદાલતમાં સમલૈગિંક લગ્નોને માન્યતા આપવાની માગણી કરતી સંખ્યાબંધ અરજીઓની સોમવારે સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે એક એફિડેટિવ દાખલ કરી છે. કેન્દ્રએ કહ્યું હતું કે લગ્ન સંસ્થા સાથે પવિત્રતા જોડાયેલી અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેને પવિત્ર બંધન અને “સંસ્કાર” ગણવામાં આવે છે. આપણા દેશમાં બાયોલોજિક પુરૂષ અને બાયોલોજિક સ્ત્રી વચ્ચેના લગ્નના બંધનની કાનૂની માન્યતા હોવા છતાં, લગ્ન આવશ્યકપણે વર્ષો જૂના રિવાજો, ધાર્મિક વિધિઓ, પ્રથાઓ, સાંસ્કૃતિક નૈતિકતા અને સામાજિક મૂલ્યો પર આધાર રાખે છે.
સરકારે રજૂઆત કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 377ના નાબૂદ કરવામાં આવી હોવા છતાં અરજદારો દેશના કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને મૂળભૂત અધિકાર હોવાનો દાવો કરી શકે નહીં. માનવ સંબંધોને માન્યતા આપવી એ ધારાકીય કાર્ય છે અને તે ક્યારેય ન્યાયિક નિર્ણયનો વિષય ન હોઈ શકે. કાયદામાં લગ્ન એક સંસ્થા છે. લગ્નસંસ્થા વિવિધ કાયદાઓ હેઠળ ઘણા વૈધાનિક અને અન્ય પરિણામો ધરાવે છે. તેથી આવા માનવીય સંબંધોની કોઈપણ ઔપચારિક માન્યતાને માત્ર પુખ્ત વયના બે લોકો વચ્ચેની ગોપનીયતાનો મુદ્દો ગણી શકાય નહીં.
કેન્દ્રએ જણાવ્યું હતું કે એક જ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે લગ્નની સંસ્થાને કોઈપણ પર્સનલ કાયદાઓ અથવા કોઈપણ વૈધાનિક કાયદામાં માન્યતા આપવામાં આવી નથી કે સ્વીકારવામાં આવી નથી.
સરકારે જણાવ્યું હતું કે લગ્નની કલ્પના જ અનિવાર્યપણે બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના જોડાણની પૂર્વધારણા કરે છે તથા આ વ્યાખ્યા સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે લગ્નના વિચાર અને ખ્યાલમાં સમાવિષ્ટ છે અને તેને ન્યાયિક અર્થઘટના મારફત સખલેલ પહોંચાડવી જોઈએ નહીં.
કેન્દ્રે જણાવ્યું છું કે માનવીય સબંધોને માન્યતા આપવી તેને સંબંધિત હકો અને વિશેષાધિકાર આપવાનું કાર્ય સંસદનું છે અને તે ન્યાયિક વિચારણાનો વિષય નથી. તેથી કોર્ટ સમક્ષ અરજદારે કરેલી વિનંતી સંપૂર્ણેપણે બિનટકાઉ અને ખોટી જગ્યાએ છે. દેશની સંસદે લગ્ન કાયદાઓ ઘડ્યા છે. વિવિધ ધાર્મિક સમુદાયો માટેના આ અંગેના પર્સનલ લો પુરુષ અને સ્ત્રી વચ્ચેના જોડાણને માન્યતા આપે છે. જો આમાં કોઇ દરમિયાનગીરી કરવામાં આવશે તો દેશના પર્સનલ લો અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચેનું નાજૂક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે.