ચીનમાં રહસ્યમય બીમારીના પ્રકોપથી ભારત સરકાર એલર્ટ બની છે. સરકાર ઉત્તર ચીનમાં બાળકોમાં H9N2 અને શ્વસન સંબંધી બિમારીના પ્રકોપ પર ચાંપતી નજર રાખી રહી છે. ચીનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્વસન સંબંધી બીમારી બંનેથી ભારત માટે ઓછું જોખમ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે કોઇપણ પ્રકારની ઇમર્જન્સી માટે તૈયાર છે. કેટલાક મીડિયા અહેવાલોએ ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીના કેસોના ક્લસ્ટરિંગનો સંકેત આપ્યો છે, જેના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એક નિવેદન પણ બહાર પાડ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો નોંધાયો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનમાં ઓક્ટોબરમાં H9N2 (એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)ના માનવ કેસની પૃષ્ઠભૂમિ સામે દેશમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાના માનવ કેસો સામે સજ્જતા પગલાં અંગે ચર્ચા કરવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ હેઠળ એક બેઠક યોજાઈ હતી. “ડબ્લ્યુએચઓના એકંદર જોખમ મૂલ્યાંકન મુજબ H9N2ના માનવ કેસોમાં માનવથી માનવ બીમારી ફેલાવા અને તેનો મૃત્યદર નીચો રહેવાની શક્યતા છે. માનવ, પશુપાલન અને વન્યજીવન ક્ષેત્રોમાં દેખરેખને મજબૂત કરવાની અને સંકલન સુધારવાની જરૂરિયાતને ઓળખવામાં આવી હતી. ભારત કોઈપણ પ્રકારની જાહેર આરોગ્યની તાકીદ માટે તૈયાર છે.
બીજી તરફ ચીને જણાવ્યું હતું કે બાળકોમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થયો છે તેમાં કોઈ અસામાન્ય અથવા નવા વાઇરસ મળ્યા નથી. ઓક્ટોબર 2023ના મધ્યભાગથી વિશ્વ આરોગ્ય સંસ્થા ચાઇનીઝ સર્વેલન્સ સિસ્ટમ્સના ડેટાનું નિરીક્ષણ કરી રહી છે જે ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીમાં વધારો દર્શાવે છે.