ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિનપ્રતિદિન બુલડોઝર ફેરવે છે. ગુનેગારો અને માફિયાઓ પર ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે ગોરખપુર જિલ્લા વહીવટીતંત્રે હિસ્ટ્રીશીટર રણધીર સિંહે સામે મોટી કાર્યવાહી કરી છે. શાહપુર વિસ્તારના આ હિસ્ટ્રીશીટરની આશરે રૂ.60 કરોડની સંપત્તિ જિલ્લાધિકારીએ કોર્ટ મારફત જપ્ત કરી છે.
જપ્તીના આદેશનું તત્કાલિક પાલન કરાવીને કોર્ટની તેની જાણકારી આપવાનો આદેશ અપાયો હતો. ડીએમે જે સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં હોટેલ, મેરેજ હોલ, મકાન અને દુકાનનો સમાવેશ થાય છે. થોડા મહિના પહેલા તત્કાલિન ડીએમ કે વિજયેન્દ્ર પાંડિયને ગેંગસ્ટર એક્ટના અપરાધી શાહપુર નિવાસી રણધીર સિંહની સંપત્તિ સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ રણધીર સિંહે જિલ્લાધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે વરસાદની સિઝન ચાલે છે. તેથી તેમાં રાખવામાં આવેલા માલ-સામાન ખરાબ થઈ જશે. તેથી થોડા મહિના માટે રાહત આપવામાં આવે.