ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિર પર હુમલો કરનારા મુર્તજા અબ્બાસીનું વિવાદાસ્પદ ઇસ્લામિક નેતા ઝાકીર નાઇક અને પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇનું કનેક્શન બહાર આવ્યું છે. પોલીસને તેના લેપટોપ અને મોબાઇલ ફોનમાંથી નાઇક સંબંધિત કેટલાંક વીડિયો મળ્યા છે. આ કેસની તપાસ માટે યુપી એટીએસની એક ટીમ મુંબઈ પહોંચી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુર્તજા અબ્બાસીની ધરપકડ બાદ યુપી પોલીસે તેના ગોરખપુર ખાતેના ઘર પર દરોડા પાડ્યા હતા તથા લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. તેમાંથી જાણકારી મળી છે કે લેપટોપમાં વિવાદાસ્પદ ઇસ્લામી નેતા ઝાકીર નાઇક અને પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ સંબંધિત કેટલાંક વીડિયો જોવા મળ્યા છે. આ ઉપરાંત બીજા કેટલાંક આપત્તિજનક દસ્તાવેજો મળ્યા છે, જે આતંકી સંગઠનો તરફ ઇશારો કરે છે.
એટીએસની ટીમ હુમલાખોર મુર્તજા અબ્બાસી અંગેના માહિતી એકઠી કરવા માટે મુંબઈ આવી હતી. મુર્તજા મુંબઈમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મુર્તજાના આધાર કાર્ડમાં તેનું સરનામું મિલેનિયમ ટાવર, સાનાપાડા, નવી મુંબઈ છે. તેથી યુપી એટીએસની ટીમ વાશી નજીક સાનાપાડાના મિલેનિયમ ટાવર બિલ્ડિંગમાં ગઈ હતી. જોકે મુર્જતા જે ફ્લેટમાં રહેતો હતો કે ફ્લેટનું વેચાણ થઈ ગયું છે.