ટોચની ટેકનોલોજી કંપનીઓ સામૂહિક છટણીના કરી રહી છે ત્યારે અમેરિકામાં કામ કરતાં ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સ માટે વધુ ખરાબ સમાચાર આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ ગૂગલે તેના પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યુ મેનેજમેન્ટ (PERM)ને કામચલાઉ ધોરણે બંધ કર્યો છે. આ પ્રોગ્રામ એમ્પ્લોયર સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડ મેળવવાનું એક મુખ્ય પગલું છે.
ગૂગલે વિદેશી કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં સૂચના આપી છે કે ટેક જાયન્ટ PERMની કોઈપણ નવી ફાઇલિંગને અટકાવી દેશે.
કંપનીના એક્ઝિક્યુટિવ ઇમેલ કર્યો છે કે “આ સમાચાર તમારા અને તમારા પરિવારોમાંથી કેટલાકને કેવી રીતે અસર કરી શકે છે તે જાણીને હું તમને નવી PERM એપ્લિકેશનને અટકાવી દેવાના મુશ્કેલ નિર્ણય વિશે શક્ય તેટલી ઝડપથી અપડેટ કરવા માંગુ છું. તેનાથી બીજી વિઝા એપ્લિકેશન્સ અથવા પ્રોગ્રામ્સને અસર થતી નથી”
PERM એપ્લિકેશન એ ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણ) પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે. આ પ્રોસેસમાં એમ્પ્લોયર્સે દર્શાવવું પડે છે કે સંબંધિત ભૂમિકા માટે અમેરિકામાં કામદાર ઉપલબ્ધ નથી. જોકે ગૂગલે જણાવ્યું હતું કે તે પહેલેથી જ સબમિટ કરેલ PERM એપ્લિકેશનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. વર્તમાન PERM નિયમો 2005થી અમલમાં છે.