ગૂગલ તેના પ્રભુત્વ દ્વારા સ્પર્ધાને કચડીને ગ્રાહકોનાં હિતોને નુકસાન કરી રહી હોવાના આરોપ સાથે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ એક ટ્રિલિયન ડોલરની કંપની સામે કાનૂની દાવો માંડ્યો છે. સરકારના આ કેસમાં આશરે 11 રાજ્યો પણ સામેલ થયા છે. અમેરિકાની સરકાર દ્વારા 20 વર્ષ અગાઉ માઇક્રોસોફ્ટ સામે આવો જ દાવો માંડવામાં આવ્યો હતો. તે પછી આ સરકારની મોટી કાનૂની કાર્યવાહી ગણવામાં આવે છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આ કાનૂની દાવાથી વિશ્વની અગ્રણી કંપનીનું વિભાજન થઈ શકે છે, જોકે કેસની પતાવટ પણ થઈ શકે છે અને કેસનો નિકાલ આવતા વર્ષો લાગી શકે છે. અગાઉ 1998માં સ્પર્ધાવિરોધી પ્રણાલી બદલ માઇક્રોસોફ્ટ કોર્પ સામે દાવો માંડવામાં આવ્યો હતો, પરંતુ કેસની પતાવટથી કંપની અકબંધ રહી હતી.
સાંસદો તથા ગ્રાહક એડવોકેટ્સ દ્વારા લાંબા સમયથી એવો આક્ષેપ થતો રહે છે કે એક લાખ ટ્રિલિયન ડોલરથી વધારેની માર્કેટ વેલ્યુ ધરાવતી ગૂગલ કંપની ઓનલાઇન સર્ચનમાં તેના પ્રભુત્વનો દુરૂપયોગ કરી સ્પર્ધાને કચડી નાખે છે ને પોતાનો નફો વધારે છે.જોકે ગૂગલે જણાવ્યું હતું કે આ કાનૂની દાવો ક્ષતિપૂર્ણ છે. લોકોને પસંદ છે એટલે તેઓ ગૂગલનો ઉપયોગ કરે છે. લોકો પર કોઇ દબાણ કરવામાં આવતું નથી.