(PTI Photo)
મંગળવારે ગણેશચતુર્થીના શુભદિને ભારતનું નવું સંસદભવન કાર્યરત થયું છે. સોમવારે સંસદસભ્યોએ બ્રિટિશકાળમાં બંધાયેલા જુના સંસદભવનમાંથી ભાવભરી વિદાય લીધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક-વિપક્ષના કેટલાક અગ્રણી સાંસદોએ જુના સંસદભવન સાથેની સ્મૃતિઓને વાગોળી હતી અને નવા ભવન માટેની આશા-અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.
જુના સંસદભવનમાં સોમવારે પોતાનું છેલ્લું ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘દેશે ફરી એકવાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલાં તે પ્રેરણાદાયી ક્ષણો અને ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવું જોઈએ. આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ.
જુના સંસદભવનમાં શરૂ થયેલા સંસદના એક વિશેષ સત્રના પ્રથમ દિવસે બોલતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે આપણે આ જૂના સંસદ ભવનથી વિદાય લઈ રહ્યા છીએ. આ હવે દેશ માટે આગળ વધવા માટેનોં અવસર છે. જૂનું સંસદભવન આપણને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આ સંસદભવનના નિર્માણમાં દેશના લોકોએ પરસેવો વહાવ્યો હતો. ભારતના ગૌરવની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આ ઐતિહાસિક જૂનું સંસદભવન આપણા સૌનો સંયુક્ત વારસો છે. આજે આપણે તેનાથી વિદાય લઈએ. આ આપણા સૌ માટે ભાવુક ક્ષણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજીથી લઈને મનમોહન સિંહ સુધી બધાએ દેશને નવી દિશા આપી. આજે સૌના ગુણગાન કરવાનો સમય છે. સૌએ આ ગૃહને સમૃદ્ધ કરવા અને દેશના સામાન્યથી સામાન્ય નાગરિકને અવાજ આપવાનું કામ કર્યું છે. રાજીવજી, ઈન્દિરાજીને જ્યારે દેશએ ગુમાવ્યાં ત્યારે જ આ ગૃહે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એ જ ગૃહ છે જ્યાં 4 સાંસદવાળી પાર્ટી સત્તામાં રહી છે અને 100 સાંસદવાળી વિપક્ષમાં…. આપણે અહીંથી એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે વિદાય લઈશું. નહેરુજીના ગુણગાન જો ગૃહમાં થશે તો કયો સભ્ય હશે જે તેના પર તાળી નહીં વગાડે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એવા અગણિત લોકો હશે જેમણે આપણે સારી રીતે કામ કરીએ છીએ, ઝડપથી કામ કરી શકીએ તેના માટે યોગદાન આપ્યું હશે. આ રીતે યોગદાન આપનારા લોકોને હું અને ખાસ કરીને આ ગૃહ વતી નમન કરું છું. આતંકી હુમલો થયો. સમગ્ર વિશ્વમાં આ હુમલો એક ઈમારત પર નહોતો પણ એક રીતે આપણા જીવાત્મા પર હુમલો હતો. આ દેશ એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે પણ આતંકીઓ સાથે લડતા લડતાં સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ખાધી આજે હું તે સૌને નમન કરું છું.

 

આ અગાઉ 17 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન પર તિરંગો ફરકાવ્યો હતો. સત્ર શરૂ થતાં પહેલાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.

LEAVE A REPLY