યુક્રેન કટોકટીને પગલે રશિયા સાથે તંગદિલી અને મની લોન્ડરિંગની ચિંતા વચ્ચે યુકેએ ધનિક રોકાણકારોને ફટાફટ વિઝા મંજૂર કરતી ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાની જાહેરાત કરી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેરાત કરી હતી કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ખડું કરતાં અને આપણા શહેરોમાં બ્લેક મની લાવતા ‘ભ્રષ્ટ ધનિકો’ને અટકાવવા માટે તાકીદની અસરથી આ સ્કીમનો અંત આવે છે.
આ સ્કીમ છેલ્લાં કેટલાંક સમયથી સમીક્ષા હેઠળ હતી અને તેના વિરોધીઓ હાઉસ ઓફ લોર્ડસમાં નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલમાં સુધારો કરવાની આવા વિઝા સસ્પેન્ડ કરવાની માગણી કરી રહ્યાં હતા.
પટેલે જણાવ્યું હતું કે આપણી ઇમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગ સામે તેઓ ઝીરો ટોલેરન્સ નીતિ ધરાવે છે અને આ હિલચાલ નાણાકીય કૌભાંડ અને ગેરકાયદે ફાઇનાન્સ સામેની નવેસરની કાર્યવાહીનો એક ભાગ છે. આ સ્કીમની જગ્યાએ રોકાણકારોને ‘ઇનોવેટર’ વિઝા માટે પ્રોત્સાહિત કરાશે.
અગાઉ મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે યુકે ગમે ત્યારે તેની ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરી શકે છે. આ એક પ્રકારની ફાસ્ટ-ટ્રેક વિઝા સ્કીમ છે, જેમાં ધનિક લોકોને ફટાફટ વિઝા આપવામાં આવે છે. યુકેનું માનવું છે કે મની લોન્ડરિંગ માટે વિદેશીઓ આ વિઝાનો ગેરકાયદે ફાયદો ઉઠાવીને યુકે પહોંચી જાય છે. મીડિયા અહેવાલ અનુસાર આગામી સપ્તાહમાં ટીયર-1 ઇન્વેસ્ટર વિઝા માટે એક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
યુક્રેન કટોકટી વચ્ચે UK આ પગલું રશિયા પર દબાણ વધારવા માટે લઈ રહ્યું હોય તેવું માનવામાં આવે છે. ગોલ્ડન વિઝાનો ફાયદો લેનારા લોકોમાં રશિયન ઉદ્યોગપતિઓ સૌથી આગળ છે.
2020માં યુકે સંસદની ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી કમિટી ટિયર-1 વિઝા માટે અત્યંત મજબૂત નીતિ અપનાવવા તૈયાર થઈ હતી કારણ કે યુકે પર રશિયાનો પ્રભાવ વધી રહ્યો હોવાના અહેવાલ હતા. એક અહેવાલ પ્રમાણે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદીમીર પુટિન સાથે નજીકનો ઘરોબો હોય તેવા ઘણા ધનિક રશિયનો યુકે આવી પહોંચ્યા હતા અને ત્યાંની પોલિસી પર રશિયાનો પ્રભાવ પડવા લાગ્યો હતો.
આ સ્કીમ 2008માં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં હોમ ઓફિસે 14,516 રશિયન નાગરિકોને વિઝા આપ્યા છે. 2008 અને 2020 વચ્ચે 254 ભારતીય મિલિયોનેરને યુકેના ગોલ્ડન વિઝા મેળવ્યા હતા. યુકે ઇન્વેસ્ટમેન્ટ વિઝા એ ટિયર-1 વિઝા છે. તે યુકે પોઇન્ટ બેઝ્ડ સિસ્ટમનો ભાગ છે જેમાં દુનિયાભરના ધનિક લોકોને વિઝા આપવામાં આવે છે. યુકેમાં ઓછામાં ઓછા 2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવા માંગતા લોકોને આ વિઝા મળે છે. વ્યક્તિ જેટલું વધારે રોકાણ કરે, તેટલી ઝડપથી તેને યુકેનું નાગરિકત્વ મળી જાય છે.
તાજેતરમાં યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જાહેરાત કરી હતી કે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવશે તો રશિયા પર નવા પ્રતિબંધો ઝીંકવામાં આવશે. આ જાહેરાત પછી તરત યુકેએ ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાની વિચારણા કરી છે.