બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિદેશ નીતિ પર પોતાના પ્રથમ ભાષણમાં ચીન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડના આદર્શો અને હિતોને ચીન તરફથી સતત ખતરો છે. આ કારણે હવે ચીન સાથે બ્રિટનના સંબંધોનો ‘સુવર્ણ યુગ’ સમાપ્ત થઈ રહ્યો છે.
ચીનમાં કોવિડ પોલિસી વિરુદ્ધ પ્રદર્શનને કવર કરી રહેલા બીબીસી પત્રકાર પર થયેલા હુમલાથી સુનક ખૂબ જ ગુસ્સામાં છે. આ પછી તેમણે ચીન સાથેના સંબંધોમાં પરિવર્તનને લઈને રણનીતિ બદલવાની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચીન વિશ્વમાં પોતાના વર્ચસ્વ માટે સતત દરેક તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે.
સુનકે મંગળવારે વર્ષ 2015માં બનેલી બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધો માટેની નીતિને રદ કરવાનો સંકેત આપ્યો હતો. સુનકે આ નીતિને બાલિશ આઇડિયા ગણાવતાં કહ્યું હતું કે ચીન સાથે વેપારથી કોઈ સામાજિક કે રાજકીય પરિવર્તન નહીં લાવે. વાસ્તવમાં, વિપક્ષ સતત સુનક પર આક્ષેપ કરી રહ્યો હતો કે સુનક ચીન અંગે કડક નીતિ અપનાવી રહ્યા નથી. ચીનને બદલે હવે બ્રિટન એશિયા-પેસિફિકના અન્ય દેશો સાથે સંબંધો વધારશે.
ચીન સાથેના સંબંધોને માટે ગોલ્ડન એરા પોલિસી વર્ષ 2015માં બનાવવામાં આવી હતી. જેની જાહેરાત શી જિનપિંગની યુકે મુલાકાત પહેલા યુકેના તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમરોને કરી હતી. આ નીતિનો હેતુ બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા અને વેપારને મજબૂત કરવાનો હતો.
શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલા બીબીસી રિપોર્ટર એડ લોરેન્સની ચીનની પોલીસે ધરપકડ કરી હતી અને મારપીટ કરી હતી. આ પછી છોડી દેવામાં આવ્યા હતા.. બીબીસી અનુસાર પોલીસે તેના હાથ બાંધી દીધા, માર માર્યો અને લાત પણ મારી હતી. જોકે ચીની અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે એડ લોરેન્સે તેની ધરપકડ સમયે ખુલાસો કર્યો ન હતો કે તે પત્રકાર છે. તેની પાસે ઓળખપત્ર અને પ્રેસ કાર્ડ પણ નહોતું.