કોરોના મહામારીના કપરા સમયમાં ગુજરાત લોકોએ ગુજરાન ચલાવવા 22 ટન સોનાનું વેચાણ કર્યું હતું. આ ડેટા દર્શાવે છે, કે મહામારીએ લોકોની આર્થિક સ્થિતિ ડામડોળ કરી નાંખી હતી.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના અંદાજ મુજબ મહામારી દરમિયાન ભારતમાં વેચાયેલા કુલ ક્રેપ ગોલ્ડમાંથી 20 ટકાનું વેચાણ ગુજરાતમાં થયું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગુરુવારે જારી કરેલા લેટેસ્ટ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ મુજબ એપ્રિલ 2020થી જૂન 2021 દરમિયાન રોકડના બદલામાં આશરે 111.5 ટન સ્ક્રેપ ગોલ્ડનું વેચાણ થયું હતું. આમાંથી IBJAના અંદાજ મુજબ 22 ટન ગોલ્ડ (બુલિયન અને જ્વેલરી)નું વેચાણ લોકોએ કર્યું હતું.
IBJAના ડિરેક્ટર હરેશ આચાર્યે જણાવ્યું હતું કે લોકડાઉન બાદ લોકોએ રોજગારી અથવા આવકનો સ્રોત ગુમાવ્યો હતો. પરિવારના જીવનને ટકાવી રાખવા માટે ઘણા લોકોએ ગોલ્ડ અને ગોલ્ડ જ્વેલરીનું વેચાણ કર્યું હતું. ભારતમાં થયેલા સ્ક્રેપ ગોલ્ડના કુલમાંથી 20 ટકા વેચાણ ગુજરાતમાં થયું હતું.
સ્ક્રેપ ગોલ્ડનું આ વેચાણ સોનાના બદલામાં 120 ટનના ગોલ્ડના ટ્રેડિંગ ઉપરાંતનું છે.
WGC, ઇન્ડિયના મેનેજિંગ ડિરેક્ટર સોમાસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ભારતમાં ગોલ્ડ રિસાઇક્લિંગમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો, કારણ કે લોકોને કુટુંબના અને મેડિકલ ખર્ચ માટે નાણાની જરૂર હતી. સોનાના ભાવમાં ઉછાળાને કારણે નફો બુક કરવા માટે વેચાણ થયું છે.
અહેવાલમાં જણાવ્યું હતું કે કોરાનાની બીજી લહેર તીવ્રતા સાથે ગ્રામીણ વિસ્તારમાં ફેલાઈ હતી અને તેનાથી લોકોની આવકને ફટકો પડ્યો હતો. ઘણા લોકોએ ખર્ચને પહોંચી વળવા સોનું વેચ્યું હતું.
રસપ્રદ બાબત એ છે કે 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં ગોલ્ડ રિસાઇક્લિંગમાં 33 ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. આ સમયગાળામાં બીજી લહેર ચાલતી હતી.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સોના સાથે ભારતના લોકો લાગણીથી જોડાયેલા હોય છે, તેથી ઘણા લોકોએ વેચવાની જગ્યાએ ગોલ્ડ લોન લીધી હતી. ગોલ્ડ લોનમાં અસાધારણ વધારો થયો હતો.