ભારતમાં કોરોના મહામારીની ભયાનકતા ભૂલીને તહેવારોના મૂડ જોવા મળ્યો હતો. ધનતેરસના દિવસે અંદાજે 15 ટન સોનાના ઘરેણાં, બિસ્કિટ અને સિક્કાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. ધનતેરસે ભારતમાં આશરે અંદાજે રૂ. 7,500 કરોડની કિંમતનો સોના-ચાંદીનો વ્યાપાર થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. CAITના ચેરમેન બી.સી. ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારતમાં ધનતેરસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ કારણે આ દિવસે ઘરેણાંનું ખૂબ જ વેચાણ થયું. નવેમ્બર મધ્યથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો હોવાથી સોના-ચાંદીના ઘરેણાંના વેચાણમાં વધુ ઉછાળો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સોનું ઓલ ટાઈમ હાઈ લેવલથી આશરે રૂ. આઠ હજાર સસ્તામાં મળી રહ્યું છે અને બજાર પર તેની અસર જોવા મળી. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી લોકોમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં સોનાની માગમાં 50 ટકાનો વધારો થયો છે. કોરોનાના પ્રતિબંધો ઓછા થતાં સોનાનો વ્યાપાર વધી રહ્યો છે.
CAITના રીપોર્ટ પ્રમાણે ધનતેરસે સાઉથ ઇન્ડિયામાં અંદાજે રૂ. બે હજાર કરોડના સોનાનું વેચાણ થયું છે જ્યારે દિલ્હીમાં રૂ. એક હજાર કરોડનું, મહારાષ્ટ્રમાં આશરે 1,500 કરોડ રૂપિયાનું, ઉત્તર પ્રદેશમાં આશરે 600 કરોડનું વેચાણ થયું છે.