સુપર ડુપર ફિલ્મ કેજીએફની જેમ બિહારમાં પણ દેશમાં સોનાના ભંડારને બહાર લાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે. બિહાર સરકારે જમુઈ જિલ્લામાં આવેલા દેશના સોનાના સૌથી મોટો ભંડાર ધરાવતા વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપી છે. જિયોલોજિક સરવે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના સરવે મુજબ જમુઈ જિલ્લામાં સોનાનો આશરે 22.28 કરોડ ટનનો ભંડાર છે. આ ભંડારમાં 37.6 ટન ખનીજથી સમૃદ્ધ ઓરે પણ છે.
બિહાર સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનો માઇન અને જિયોલોજી વિભાગ જમુઇના સોનાના અનામત ભંડાર માટે ખાણકામમાં સંકળાયેલી એજન્સીઓના સંપર્કમાં છે. આ એજન્સીઓમાં જીએએસઆઇ અને નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિસ્તારોમાં સોનાના ભંડાર છે. આ તારણ બાદ ખાણકામ સાથે સંકળાયેલી એજન્સીઓ સાથે વિચારવિમર્શની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ અને માઇન્સ કમિશનર હરજોત કૌર બામહ્રારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક મહિનાના સમયગાળામાં પ્રાથમિક સ્તરના સંશોધન (જી-3) માટે કેન્દ્રીય એજન્સી કે એજન્સીઓ સાથે સમજૂતીપત્ર પર હસ્તાંક્ષર કરે તેવી ધારણા છે. કેટલાંક વિસ્તારમાં જી-2 (જનરલ) સંશોધન પણ ચાલુ કરી શકાય તેમ છે.
કેન્દ્રીય ખાણ પ્રધાન પ્રહલાદ જોશીએ ગયા વર્ષે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતમાં સોનાના અનામત ભંડારમાં બિહારનો સૌથી મોટો હિસ્સો છે. લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બિહારની જમીનમાં 22.28 કરોડ ટન ગોલ્ડ મેટલ છે, જે દેશમાં સોનાના કુલ ભંડારના આશરે 44 ટકા છે. નેશનલ મિનરલ ઇન્વેન્ટરીના જણાવ્યા મુજબ 1 એપ્રિલ 2015ના રોજ દેશમાં પ્રાયમરી ગોલ્ડ ઓરેનો કુલ ભંડાર 654.74 ટન ગોલ્ડ મેટલ સાથે કુલ 50.18 કરોડ ટન હોવાનો અંદાજ છે. આમાંથી બિહારમાં 22.28 કરોડ ટન ઓરે છે. આ ભંડારમાં 37.6 ટન મેટલ છે.