દેશમાં પ્રસરેલા કોવિડ-૧૯ રોગચાળાને કારણે સોનાની માગ પર વિપરીત અસર થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં દેશમાં સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૩.૧૬ બિલિયન ડૉલર (અંદાજે રૂ. ૯૧,૪૪૦ કરોડ) સામે ૮૧.૨૨ ટકાના ઘટાડા સાથે ૨.૪૭ બિલિયન ડૉલર (અંદાજે રૂ. ૧૮,૫૯૦ કરોડ)ની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાંદીની આયાત પણ ગત સાલના સમાનગાળાની સરખામણીમાં ૫૬.૫ ટકાના ઘટાડા સાથે ૬૮.૫૩૨ કરોડ ડૉલર (અંદાજે રૂ. ૫૧૮૫ કરોડ)ની સપાટીએ રહી હતી. દેશમાં સોનાચાંદીની આયાતમાં થયેલો ઘટાડો દેશની વેપારી ખાધ અથવા તો આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત ઘટાડવામાં મદદરૂપ થયો છે અને આ સમયગાળાની વેપારી ખાધ જે ગત સાલના સમયગાળામાં ૫૯.૪ બિલિયન ડૉલરની સપાટીએ હતી તેની સામે ઘટીને ૧૩.૯૫ બિલિયન ડૉલરની સપાટીએ રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ડિસેમ્બર મહિનાથી સોનાની આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં આયાતમાં અનુક્રમે ૬૨.૬ ટકાનો, ૯૯.૯૩ ટકાનો, ૯૮.૪ ટકાનો અને ૭૭.૫ ટકાનો ઘટાડો થયો હતો. જોકે, ગત જુલાઈ મહિનામાં આયાત જુલાઈ ૨૦૧૯નાં ૧.૭૧ બિલિયન ડૉલર સામે સાધારણ ૪.૧૭ ટકાથી વધીને ૧.૭૮ બિલિયન ડૉલરની સપાટીએ રહી હતી.