ભારતમાં સોનાના ભાવ રૂ.50,000ની સપાટીને કરી ગયા હોવાથી સોનાના બાર અને કોઈન (સિક્કા)ના વેચાણને અસર થઈ છે. લોકોને સોનામાં રોકાણ કરવાના ફાયદા અને તેની અગત્યતા સમજાઈ છે પરંતુ ઊંચા ભાવને કારણે માટે રોકાણ કરવું અઘરૂં બન્યું છે. જોકે સોનાના સિક્કા અને બાર બનાવનારાઓ અને જ્વેલર્સે માત્ર 0.5 ગ્રામ વજન ધરાવતા સોનાના બાર લોન્ચ કર્યા છે.
ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ના સર્વે મુજબ સોનાના રાષ્ટ્રીય ઘરેલું વપરાશમાં 89% જેટલો ફાળો મધ્યમ આવક ધરાવતા જૂથ (વાર્ષિક 2થી 10 લાખની કમાણી)નો છે. જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદના (JAA) સેક્રેટરી નિશાંત સોનીના કહેવા પ્રમાણે સોનાની ખરીદી કરનારા લોકોમાં એક મોટો વર્ગ એવો છે જે સોનામાં નિયમિતપણે એક નાની રકમનું રોકાણ કરવા ઈચ્છે છે. સોનાનો ભાવ રૂ. 50,000ની સપાટીને કૂદી ગયો હોવાથી આવા નાના રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આ કારણે સોનાના 0.5 ગ્રામ વજન ધરાવતા બાર લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.