ભાજપની આગેવાની હેઠળ એનડીએ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં ઝંઝવાતી ચૂંટણીપ્રચાર કરીને અનેક રેલીઓને સંબોધન કર્યું હતું અને રોડ શો યોજ્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 2014માં આશા સાથે લોકો પાસે ગયા હતાં, 2019માં વિશ્વાસ સાથે અને 2024માં ગેરંટી સાથે લોકો પાસે ગયા છે. ઘણી વખત તેમણે કહ્યું હતું કે “દેશભરમાં મોદીની ગેરંટી છે અને હું આ તમામ ગેરંટી પૂરી કરવાની ગેરંટી આપું છું.” ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના કેટલાક કેબિનેટ સાથીએ ચૂંટણીસભા ગજવી હતી.
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ અને અન્ય પક્ષોએ પણ તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો.
ભાજપે ભ્રષ્ટાચાર, વંશવાદની રાજનીતિ અને બંધારણ અને હિંદુ ધર્મના અપમાનના મુદ્દે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ વિપક્ષના નેતાઓએ ચૂંટણી બોન્ડ, કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ, મોંઘવારી અને બેરોજગારી સહિતના અન્ય મુદ્દાઓ પર સરકાર પર પ્રહારો કર્યા હતા. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વિકાસ અને કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે લોભામણા વચન અને NRC જેવા વિવાદાસ્પદ મુદ્દાઓથી દૂર રહ્યો છે. “મોદી કી ગેરંટી” નામના ચૂંટણીઢંઢેરામાં ભાજપે એક રાષ્ટ્ર-એક-ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે.
‘ન્યાય પત્ર’ નામના 45 પાનાના ચૂંટણીઢંઢેરામાં કોંગ્રેસે પાંચ “ન્યાયના સ્તંભો” અને તેમની હેઠળ 25 ગેરંટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એપ્રેન્ટિસશીપનો અધિકાર, એમએસપી માટેની કાનૂની ગેરંટી, એસસી, એસટી અને ઓબીસી માટે અનામતની મર્યાદામાં વધારો, દેશવ્યાપી જાતિગત ગણતરી અને અગ્નિપથ યોજનાને રદ કરવી જેવા લોભામણા વચનો આપ્યાં છે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે ઉત્તર પ્રદેશના સહારનપુર અને મુરાદાબાદમાં રેલીઓને સંબોધી હતી. જમ્મુ અને કાશ્મીરમાં, મોદીએ લોકોને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અંગે આશ્વાસન આપ્યું હતું.