વિતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરના મુંબઇમાં ચેંબુર ખાતે આવેલા બંગલાનું શુક્રવારે વેચાણ થઇ ગયું છે. ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ તે રૂ. 100 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ આ સોદાની માહિતી મુંબઈ શેરબજારને આપી છે. ગોદરેજ પ્રોપર્ટીઝ જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે. હવે તે સ્ટુડિયોની જગ્યાએ લક્ઝરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે, જેના દ્વારા તે રૂ. 500 કરોડની આવક મેળવશે.

આ જ ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ 2019માં ચેંબુરમાં જ આવેલો કપૂર પરિવારની માલિકીનો આર.કે. ફિલ્મ સ્ટુડિયો પણ ખરીદ્યો હતો. હવે તેણે રાજ કપૂરનું નિવાસસ્થાન ખરીદ્યું છે. આ બંગલો ચેંબુરમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીસની બાજુમાં આવેલો છે. આ ચેંબુરનો વૈભવશાળી નિવાસી વિસ્તાર ગણાય છે.
કંપનીના સીઈઓ ગૌરવ પાંડેએ જણાવ્યું છે કે અમે અમારા પોર્ટફોલિયોમાં ‘આરકેએસ’ વિકસિત યોજનાનો ઉમેરો કરવા બદલ ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ. અમને આ તક પૂરી પાડવા બદલ અમે કપૂર પરિવારના આભારી છીએ.

1988માં અવસાન થયું ત્યાં સુધી રાજ કપૂર આ બંગલામાં રહેતા હતા. ત્યાર પછી તેમનાં પત્ની ક્રિષ્ના 2018માં તેમનું નિધન થયું ત્યાં સુધી આ બંગલામાં રહેતાં હતાં.

LEAVE A REPLY