ભાજપે ગોધરા નગરપાલિકાની સત્તા અસાઉદ્દીન ઓવૈસીના પક્ષ AIMIM પાસેથી છીનવી લીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોધરા નગરપાલિકામાં AIMIMના 7 સભ્યોની જીત થઈ હતી અને તેને 18 અપક્ષો સાથે મળીને સત્તા કબ્જે કરી હતી. જો કે ચૂંટણીના માત્ર પાંચ મહિનામાં જ ભાજપે AIMIMને મોટો ઝાટકો આપ્યો હતો અને ચાર અપક્ષ ઉમેદવારોને ભાજપમાં ખેંચી લાવી ગોધરા નગરપાલિકા AIMIM પાસેથી છીનવી કેસરિયો લહેરાવ્યો છે.
ગોધરા નગરપાલિકાની કુલ 44 સીટ છે. જેમાંથી ભાજપ પાસે 18, અપક્ષ 18, AMIM 7 અને કોંગ્રેસ પાસે 1 સીટ છે. હાલ પાલિકા પ્રમુખ સહિત ચાર અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ 22 પર પહોંચ્યું છે.
ગોધરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સંજય સોની સહિત ચાર જેટલાં અપક્ષના સભ્યો નાટકીય રીતે ભાજપમાં જોડાયા હતા. જેના પગલે ગોધરા નગરપાલિકામાં પ્રથમવાર ખાતું ખોલનાર AIMIMના 7 સભ્યો અને 18 અપક્ષ સાથે રચાયેલી ગોધરા પાલિકામાં અપક્ષે માંડ પાંચ મહિના સત્તા ભોગવી હતી.