પ્રશ્નઃ બાળપણથી જ મને એવું શિખવવામાં આવ્યું છે કે ઈશ્વરનું અસ્તિત્ત્વ છે અને તેના પરિણામે, હું એક શ્રદ્ધાળુ, ભક્ત બની ગયો છું. પણ એ પછી મેં અહીં હઠ યોગના કાર્યક્રમમાં સામેલ થવાનું શરૂ કર્યું ત્યારથી હું જોતો આવું છું કે, ઈશા ફાઉન્ડેશનનો સમગ્ર અભિગમ કર્મ કેન્દ્રિત છે. તેનો મતલબ તો એવો થાય કે, ઈશ્વર આમાં ક્યાંય સંડોવાયેલા નથી. એકવીસ વર્ષથી હું ઈશ્વરમાં માનતો આવ્યો છું, એ માન્યતા હવે તોડવી મુશ્કેલ છે. કૃપા કરી મને આ વિષે સમજવામાં સહાય કરો. સદગુરૂનો ઉત્તરઃ શંકરન પિલ્લાઈના લગ્ન તૂટી જવાના આરે હતા. તેઓ એક મેરેજ કાઉન્સેલર પાસે ગયા અને એવું પૂછયું કે, “મારે શું કરવું? હું જે કોઈપણ પ્રયાસ કરૂં છું તે બધા જ અવળા પડે છે.” મેરેજ કાઉન્સેલરે એવું કહ્યું કે તમારે પત્નીને જ પૂછી લેવું જોઈએ કે તેને શું જોઈએ છે?
કાઉન્સેલરે તેને સ્થિતિનો સામનો કરવા કેટલીક ટિપ્સ પણ આપી. શંકરન ઘેર પહોંચ્યો ત્યારે તેની પત્ની મહિલાઓ માટેનું એક મેગેઝિન વાંચતી હતી અને તેણે શંકરન તરફ નજર કરવાની પણ દરકાર કરી નહીં. તેણે પળવાર માટે રોકાઈ ક્યા શબ્દોનો ઉપયોગ કરવો એ વિષે વિચારી પત્નીને પૂછ્યું, “હની, તને એક બુદ્ધિશાળી પુરૂષ ગમશે કે પછી દેખાવડો પુરૂષ ગમશે?” પત્નીએ કોઈ જવાબ આપ્યો નહીં. એ પછી તે પત્નીની નજીક ગયો, તેની બાજુમાં બેઠો અને પૂછ્યું, “હની, ડાર્લિંગ, તને એક બુદ્ધિશાળી પુરૂષ ગમે કે દેખાવડો પુરૂષ ગમે?” પત્નીએ મેગેઝિનમાંથી નજર હટાવ્યા વિના જ કહ્યું, “એકેય નહીં – હું તો ફક્ત તને જ પ્રેમ કરૂં છું.” તે શાણી હતી અને તેણે લગ્નજીવન ટકાવી રાખવાનો વિકલ્પ પસંદ કર્યો, લગ્નેત્તર સંબંધનો નહીં. તો આવો, હવે આપણે તમારી ભક્તિ તરફ નજર કરીએ.
અગાઉ તમે એવા તારણ ઉપર આવ્યા હતા કે, ઈશ્વર છે. હવે તમે આ કાર્યક્રમમાં આવ્યા છો, સામેલ થયા છો અને એવા તારણ ઉપર આવ્યા છો કે ઈશા ફાઉન્ડેશન તો કર્મ કેન્દ્રિત છે. આ કાર્યક્રમના સમાપન પછી તમે જશો એ પછી તમારૂં તારણ શું હશે એ વિષે કોને ખબર છે. આથી તારણો ઉપર આવવાનું બંધ કરો. યોગા એટલે કઈંક પ્રાપ્ત કરવાની એષ્ણા. એષ્ણાનો અર્થ એવો થાય કે તમને એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે, તમે કઈંક જાણતા નથી. તમે સ્વગત એટલા બૌદ્ધિક સ્તરે પણ પહોંચી ગયા છો કે, તમને ખબર છે કે, આ પળે કશુંક સાનુકુળ હોય તો પણ તમે તે વિષે કોઈ ધારણા બાંધવા તૈયાર નથી.
એક ધારણાથી બીજી ધારણા તરફ
તમારા સમાજ – સમુદાયમાં, તમારા પરિવારમાં એ વાત સાનુકુળતાની છે કે, ઈશ્વરમાં માનવું. અથવા તો એવું કહીએ કે બાકીના તમામ લોકો ઈશ્વરમાં માને છે અને તેથી જ તમે પણ માનો છો. એ પછી તમે અહીં આવ્યા અને એવું વિચારવા લાગ્યા કે તમે ફક્ત રામ, રામ કે પછી શિવ, શિવ બોલતા રહેશો કે પછી કોઈ બીજા ભગવાનનું નામ લેતા રહેશો તો, લોકોને કદાચ હાસ્યાસ્પદ માનશે. આથી, હવે તમે કર્મ કેન્દ્રિત થાઓ છો. તમને આટલું પરિવર્તન સાધવામાં કેટલી વાર લાગી? તમારી જાત સાથે તમે આવું કરશો નહીં. તમે આટલી સરળતાથી પરિવર્તન કરશો નહીં. તમે આટલી સરળતાથી પરિવર્તન એક સીધાસાદા કારણસર કરી શકો છો, કારણ કે તમે એક ધારણાથી બીજી ધારણા તરફ આગળ ધપતા રહો છો, તમારામાં કોઈક એષ્ણાની હિંમત કે પ્રતિબદ્ધતા નથી. એષ્ણાનો અર્થ જ એવો થાય કે, તમે કઈં જાણતા નથી એ વાતનો તમે સ્વિકાર કરો છો. તમને એ વાતની ખબર નથી કે, આ દુનિયા ઉપર કોનું રાજ ચાલે છે – ઈશ્વરનું કે કર્મનું – અને તે એક હકિકત છે.
શરૂઆતમાં તમને આ વાસ્તવિકતાથી કદાચ થોડો ગભરાટ લાગી શકે છે. પણ થોડો સમય જતાં તમે વાસ્તવિકતા સ્વિકારતા, તેને અનુકુળ થઈ જાઓ છો. ધારો કે તમે એક આગ ઓકતા ડ્રેગન સાથે એક રૂમમાં કેદ છો. તમે દાઝી જતા નથી અને બે-ત્રણ દિવસ પછી પણ જીવતા રહો છો, તો પછી તમે ધીમે ધીમે કદાચ એ ડ્રેગન સાથે સંવાદ સાધશો. હકિકત એ છે કે, તમે કઈં જાણતા નથી. એના કારણે, એ વસ્તુ સહજ બનશે કે તમે સવારે ઉઠીને યોગા કરશો. ઉપર અવકાશમાં સ્વર્ગ છે કે નર્ક, ઈશ્વર છે કે દાનવ એની કોને ખબર છે? તમને જો કે, એટલી તો ખબર જ છે કે, તમારો દેહ છે, તમારૂં મગજ છે, ઉર્જા છે, લાગણીઓ છે – તો એ બધાને ક્ષેમકુશળ રાખો. .માની લો કે તમે સ્વર્ગમાં જાઓ છો – એનુ સુખ માણવા, તો તમે એ માટે સક્ષમ, એવી સારી સ્થિતિમાં તો હોવા જોઈએ ને. માની લો કે તમે નર્કમાં જાઓ છો – તો પણ ત્યાંની યાતનાઓ સહન કરવા, એવા કપરા સંજોગોમાં પણ ટકી શકવા માટે તમે સમર્થ તો હોવા જોઈએ ને. આમ, કોઈપણ સંજોગોમાં, તમારા માટે સારૂં સ્વાસ્થ્ય જરૂરી છે. એવી જ રીતે, આ ગ્રહ ઉપર જીવંત રહેવા, સારા જીવન માટે પણ તમે સ્વસ્થ હો તે જરૂરી છે. આથી, તમે ઈશ્વરમાં માનતા હો કે નહીં, તમે શારીરિક રીતે, માનસિક રીતે, લાગણીશિલતાની રીતે કે પછી ઉર્જાની દ્રષ્ટિએ પણ સ્વસ્થ હોવા જોઈએ.