ઓસ્ટ્રેલિયામાં એક રેસ્ટોરાના શીખ માલિકને ઘણા દિવસો સુધી વંશિય ટિપ્પણી સાથેના પત્રો લખીને તથા તેમની કાર પર મળમૂત્ર ફેંકીને રેસિયલ એટેક કરવામાં આવ્યાં હતા. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે “ભારતીય, તમારા ઘરે પરત જાઓ”
તાસ્માનિયાના હોબાર્ટમાં ‘દાવત – ધ ઇન્વિટેશન’ રેસ્ટોરન્ટ ચલાવતા જરનૈલ ‘જીમી’ સિંઘે કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તેને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તમારા ઘરની વાત આવે છે ત્યારે તે માનસિક રીતે ખૂબ જ તણાવપૂર્ણ હોય છે અને ખાસ કરીને તમારા નામ સાથે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે તે ખૂબ જ માનસિક તણાવ ઊભો થાય છે. કંઈક કરવું પડશે.
સિંઘે સૌપ્રથમ માની લીધું હતું કે આ પત્ર કોઇ યુવાન વ્યક્તિએ લખ્યો હશે અને તેને તેની અવગણવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પ્રથમ ઘટનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું હતું કે સતત ચાર કે પાંચ દિવસ સુધી તેની કારના દરવાજાના હેન્ડલ પર કૂતરાના મળમૂત્ર ફેંકવામાં આવ્યાં હતાં. આ પછી તેના ડ્રાઇવ-વેમાં એક જાતિવાદી પત્ર મળ્યો હતો, જેમાં તેમને “ગો હોમ, ઈન્ડિયન” કહેવામાં આવ્યું હતું.
આ ઘટનાઓ પોલીસના ધ્યાન પર લાવવામાં આવી હતી અને ઘર પર વીડિયો કેમેરા લગાવવામાં આવ્યાં હતાં. જોકે દ્વેષપૂર્ણ પત્રો આવતા જ રહ્યાં હતાં. બીજો પત્ર પત્ર લગભગ એક મહિના પછી મળ્યો હતો અને તે પહેલા કરતા પણ વધુ અપમાનજનક હતો. તેમના કાર્યસ્થળની બહાર તેમની કારને પણ ઉઝરડા કરવામાં આવ્યા હતા. તસ્માનિયા પોલીસ કમાન્ડર જેસન એલ્મેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાઓની પોલીસને જાણ કરવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.