હિન્દી અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચેના જ્ઞાનવાપી -શ્રિંગાર ગૌરી સંકુલ કેસ કોર્ટમાં ટકી શકશે કે નહીં તે અંગે વારાસણીની કોર્ટ 26મેએ સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષે મસ્જિદના વીડિયોગ્રાફી સરવે અને આ કેસની સુનાવણી સામે વિરોધ કરેલો છે. ડિસ્ટ્રિક્ટ જજ એ કે વિશ્વવેશની કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ આ કેસની સુનાવણી કરશે, એમ જિલ્લા સરકારી વકીલ રાણા સંજીવ સિંહે જણાવ્યું હતું. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના કોર્ટના આદેશ આધારિત વીડિયોગ્રાફી સરવે અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષોને તેમના વાંધા રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય પણ આપ્યો છે.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષની અરજી અંગે 26મેએ સુનાવણી થશે. મુસ્લિમ પક્ષે દલીલ કરી શકે છે કે પૂજાસ્થાન ધારા, 1991 હેઠળ આ કેસ ટકી શકે નહીં અને કોર્ટે તેને રદ કરવો જોઇએ. કોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો માટે સરવેનો રીપોર્ટ ઉપલબ્ધ કરવાનો પણ આદેશ આપ્યો હતો. દરમિયાન સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રવી કુમાર દિવાકરની કોર્ટમાં એક નવી અરજી થઈ હતી. આ અરજીમાં સરવે દરમિયાન મળી આવેલા શિવલિંગની પૂજાની છૂટ આપવાની મંજૂરી માગવામાં આવી છે.