.જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વારાણસીની આ મસ્જિદજમાં હિન્દુ મુર્તિઓ અને અવશેષો હોવાના દાવાની સુનાવણી ઉત્તરપ્રદેશના વધુ અનુભવી ન્યાયાધિશ કરશે. આમ આ કેસ સુપ્રીમ કોર્ટે હવે વારાણસીની સ્થાનિક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે.
આ કેસમાં હીલિંગ ટચ અને સંતુલનની ભાવના જરૂરી હોવા પર ભાર મૂકતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી વધુ અનુભવી જજ કરે તે હિતાવહ છે. આ કેસની જટિલતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વારાણસીમાં સિવિલ જજ સામેના સિવિલ દાવાની સુનાવણી યુપીના ન્યાયતંત્રના સિનિયર અને અનુભવી ન્યાયિક અધિકારી કરશે.
ત્રણ ન્યાયમૂર્તિની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે સમુદાયો વચ્ચે બંધુત્વની ભાવના અને શાંતિની જરૂરિયાત કોર્ટ માટે સર્વોચ્ચ છે. પાંચ હિન્દુ મહિલાઓની પિટિશનની સુનાવણી હવે વારાણસીના સૌથી સિનિયર જજ કરશે. હિન્દુ મહિલાઓએ તેમની પિટિશનમાં જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુ મૂર્તિઓ હોવાનો દાવો કર્યો છે અને ત્યાં પૂજા કરવાની પરવાનગી માગી છે.
જ્ઞાનવાપી મસ્જિદ ભારતના સૌથી પ્રાચીન અને પવિત્ર ગણાતા પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે. આ મસ્જિદનો વીડિયો સરવે થયો હતો. આ વીડિયો સરવેનો અહેવાલ ત્રણ સીલબંધ બોક્સમાં સિવિલ જજને સુપરત કરવામાં આવ્યો છે. તેમાં સેંકડો વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફી સાથેની એક ચીપ પણ કોર્ટને સુપરત કરાઈ છે.
જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સરવેની કામગીરીને મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. મુસ્લિમ અરજદારોએ જણાવ્યું હતું કે આ વીડિયો સરવે પૂજાસ્થાન ધારા, 1991ની વિરુદ્ધમાં છે. આ ધારામાં 15 ઓગસ્ટ 1947ની સ્થિતિએ તમામ પૂજાસ્થાનોની જાળવણી કરવાની જોગવાઈ છે.
મસ્જિદ કમિટીએ દલીલ કરી હતી કે આવી પિટિશનો અને મસ્જિદની સીલ કરવાની બાબતથી કોમી સંવાદિતતા અને શાંતિ ખોરવાઈ શકે છે અને તેની દેશભરમાં અસર થઈ શકે છે. હિન્દુ અરજદારોએ જણાવ્યું હતું કે આ પિટિશનને રદ કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે મીડિયામાં લીક થયેલી કેટલીક માહિતી અંગે કડક ટીપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આ બંધ થવું જોઇએ. હિન્દુ અરજદારોએ ગુરુવારે વારાણસી કોર્ટમાં રીપોર્ટ સુપરત થાય તે પહેલા વીડિયો સરવેની માહિતી લીક કરી હતી.